
આરએસએસ અને મોહન ભાગવતે ટ્વિટરની પ્રોફાઇલ પીક બદલી, લગાવ્યો તિરંગો
13 ઓગસ્ટ,દિલ્હી:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ સ્વતંત્રતા દિવસ પહેલા શુક્રવારે તેના ટ્વિટર હેન્ડલની પ્રોફાઇલ તસવીર બદલી છે.તેણે પોતાની પ્રોફાઈલ તસવીર પર તિરંગો લગાવ્યો છે. આરએસએસ ઉપરાંત આરએસએસ ચીફ મોહન ભાગવતે પણ પોતાનો પ્રોફાઈલ પીક બદલ્યો છે.તેમણે સંગઠનનો ધ્વજ પણ હટાવીને પોતાની ડીપી પર તિરંગો લગાવી દીધો છે.નોંધનીય છે કે,કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ પ્રોફાઇલ તસવીરમાં ફેરફાર ન કરવા બદલ આરએસએસ અને મોહન ભાગવતની આકરી ટીકા કરી હતી.
કોંગ્રેસના નેતા અને પ્રવક્તા પવન ખેડાએ આરએસએસ અને તેના વડા મોહન ભાગવતના પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ શેર કરતા ટ્વિટ કર્યું, “સંઘના લોકો, હવે તિરંગો અપનાવો.” કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સંઘનો ઉલ્લેખ કરતા આ મહિનાની શરૂઆતમાં સવાલ કર્યા હતા કે, શું નાગપુરમાં તેના મુખ્યાલય પર 52 વર્ષથી રાષ્ટ્રધ્વજ ન ફરકાવનાર સંગઠન તેના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડીપી પર ત્રિરંગો મૂકવાની વડા પ્રધાનની વિનંતીને ધ્યાન આપશે?
આવી સ્થિતિમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની ‘પ્રોફાઇલ’ પિક્ચર પર ત્રિરંગો લગાવવાની વિનંતી કરી છે.કેન્દ્ર સરકારે તેના ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમના ભાગરૂપે લોકોને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા અથવા પ્રદર્શિત કરવા વિનંતી કરી છે.