RSS દ્વારા સંત રવિદાસના 650મા પ્રગટ્ય વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે
[અલકેશ પટેલ] અમદાવાદ, 16 માર્ચ, 2026 – RSS Sant Ravidas રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંત શિરોમણિ શ્રી રવિદાસજીના 650મા પ્રાગટ્ય વર્ષ નિમિત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરશે તેમ ગુજરાત પ્રાંત સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલે આજે અહીં જણાવ્યું હતું.
હરિયાણામાં 13,14,15 માર્ચ 2026 દરમિયાન યોજાયેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની વિસ્તૃત માહિતી આપવા સાથે ડૉ. ભરતભાઈ પટેલે સંઘ શતાબ્દી નિમિત્તે યોજાઈ રહેલા અને યોજનાર વિવિધ કાર્યક્રમોની પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાનમાં સંઘની દેશભરમાં 88,949 દૈનિક શાખા, 32,606 સાપ્તાહિક મિલન, 13,211 સંઘ મંડળી છે. આમ કુલ 1,34,766 સ્થળે સંઘકાર્ય ચાલી રહ્યું છે. તે ઉપરાંત દેશમાં સંઘ અને ભગિની સંસ્થાઓ દ્વારા 96,045 સેવાકાર્યો ચાલી રહ્યાં છે.
આ પણ વાંચોઃ દક્ષિણ બોપલમાં 54 સોસાયટીઓના સંકલિત પ્રયાસોથી વિરાટ હિન્દુ સંમેલન યોજાયું
ગુજરાતમાં સંઘની પ્રવૃત્તિઓ અને વ્યાપ વિશે જણાવતા તેમણે કહ્યું કે, ગુજરાત પ્રાંતમાં સંઘ અને ભગિની સંસ્થાઓ દ્વારા 2,688 સેવાકાર્યો ચાલી રહ્યાં છે.
તેમણે જણાવ્યું કે, ગત ડિસેમ્બર-જાન્યુઆરીથી શરૂ થેલા ગૃહસંપર્ક અભિયાનમાં અત્યાર સુધી દેશભરમાં 10.02 કરોડ પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે, જેમાં કેરળનો પણ સમાવેશ થાય છે જ્યાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમોની વસ્તી વધારે છે. કેરળમા આ ગૃહસંપર્ક અભિયાન દરમિયાન ખિસ્તી અને મુસ્લિમ પરિવારોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
સંઘની રચનામાં કુલ 46 પ્રાંતો છે જેમાંથી 37 પ્રાંતોની માહિતી પ્રમાણે દરેક ઘર અને દરેક ગામમાં સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 3.89 લાખ ગામો અને શહરોમાં 31,000 વિસ્તારોના 10.02 કરોડ પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે. તમામ ઘરોમાંથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ દરમિયાન સામાજિક સમરસતા અને ‘પંચ પરિવર્તન’ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
ગૃહ સંપર્ક અભિયાનમાં કેરળમાં સામ્યવાદી (કમ્યુનિસ્ટ) વિચારધારા ધરાવતા ઘરો પણ હતા અને ભિન્ન પૂજા પદ્ધતિ પાળતા પરિવારો પણ હતા. સ્વયંસેવકોએ 55,000 મુસ્લિમ ઘરો અને 54,000 ખ્રિસ્તી ઘરોમાં પણ સંપર્ક કર્યો હતો, જ્યાં તમામ સ્થળોએ તેમનું ભવ્ય સ્વાગત થયું હતું.
ડૉ. ભરતભાઈએ માહિતી આપી કે, દેશભરમાં અત્યાર સુધી 36 હજારથી વધુ હિન્દુ સમ્મેલન થયા છે. અને ઉમેર્યું કે સંત શિરોમણિ સદગુરુ શ્રી રવિદાસજીના 650મા પ્રાગટ્ય વર્ષ નિમિત્તે સંઘ દ્વારા દેશભરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચોઃ સુપ્રસિદ્ધ વિદુષી અરુણાબા જાડેજાએ વિદ્યાપીઠમાં અનુવાદ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપ્યું
આગામી સમયમાં સંઘની સંરચનામાં વિકેન્દ્રીકરણનો વિચાર થયો છે, જેમાં વર્તમાન પ્રાંતના સ્થાને સંભાગ રચનાનો વિચાર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બંગલુરુ ખાતે 13-15 માર્ચ 2026 દરમિયાન યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત, સરકાર્યવાહ મા. દત્તાત્રેય હોસબાલે, તમામ છ સહ સરકાર્યવાહ સહિત વિવિધ સંગઠનોના 1487 કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
ગુજરાતમાં સંઘકાર્ય સ્થિતિ :
ગુજરાતમાં વર્તમાનમાં 1610 દૈનિક શાખા, 1270 સાપ્તાહિક મિલન તથા 1133 સંઘમંડળી છે. આ શાખાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓ અને 40 ટકા વ્યવસાયિક શાખાઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વર્તમાનમાં કુલ 2688 સેવાકાર્યો ચાલી રહ્યા છે.
સંઘ શતાબ્દી વર્ષ કાર્યક્રમઃ
ભરતભાઈ પટેલે માહિતી આપી કે, ગુજરાત પ્રાંતમાં શ્રી વિજયાદશમી ઉત્સવ નિમિત્તે 429 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 60,505 સ્વયંસેવકો સહભાગી થયા. આ કાર્યક્રમોમાં 1,19,500 જેટલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુ સમ્મેલન:
દેશભરમાં અત્યાર સુધી 36 હજારથી વધુ હિન્દુ સમ્મેલન થયા છે અને જ્યાં નથી થયા ત્યાં સંમેલન યોજાશે. અરુણાચલ પ્રદેશ અને આંદામાન અને નિકોબાર સહિત પૂરા દેશમાં સંઘ શતાબ્દી વર્ષના કાર્યક્રમો ઉત્સાહભેર આયોજિત થઈ રહા છે.
વિશેષમાં આગામી સમયમાં સંઘની સંરચનામાં વિકેન્દ્રીકરણનો વિચાર થયો છે, જેમાં વર્તમાન રચનામાં પ્રાંતના સ્થાને નાની ઇકાઈ સંભાગ રચનાનો વિચાર કરવામાં આવ્યો છે. વર્તમાનમાં સંઘની દૃષ્ટિએ દેશભરમાં 46 પ્રાંતો છે તેના સ્થાન પર આગામી વર્ષે 27 માર્ચ પછી 80થી વધુ સંભાગ દેશભરમાં થશે.


