1. Home
  2. ગુજરાતી
  3. શ્રીલંકામાં ગંભીર ઇંધણ સંકટ: હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કામ થશે
શ્રીલંકામાં ગંભીર ઇંધણ સંકટ: હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કામ થશે

શ્રીલંકામાં ગંભીર ઇંધણ સંકટ: હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કામ થશે

0
Social Share

કોલંબો, 17 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં (મિડલ ઈસ્ટ) ચાલી રહેલા લાંબા યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે શ્રીલંકા પર જોવા મળી રહી છે. દેશમાં ઇંધણના મર્યાદિત જથ્થાને બચાવવા માટે શ્રીલંકા સરકારે કામકાજના દિવસો ઘટાડીને અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નવો નિયમ શાળાઓ, યુનિવર્સિટીઓ અને તમામ સરકારી સંસ્થાઓ પર લાગુ થશે.

વાસ્તવમાં, અમેરિકા અને ઈઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધના જવાબમાં ઈરાને ‘હોર્મુઝની સામુદ્રધુની’ બંધ કરી દીધી છે. વિશ્વનો અંદાજે 20 ટકા તેલ નિકાસ આ દરિયાઈ માર્ગે થાય છે. યુદ્ધ ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ચૂક્યું છે અને આ માર્ગ બંધ થવાને કારણે શ્રીલંકા જેવા દેશોમાં તેલનો પુરવઠો સંપૂર્ણપણે અટકી ગયો છે.

આવશ્યક સેવાઓના કમિશનર-જનરલ પ્રભાત ચંદ્રકીર્તિએ જાહેરાત કરી હતી કે, આગામી બુધવારથી તમામ સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કાર્યરત રહેશે. રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેની અધ્યક્ષતામાં મળેલી કટોકટીની બેઠક બાદ ખાનગી ક્ષેત્રને પણ દર બુધવારે રજા જાહેર કરવા વિનંતી કરવામાં આવી છે. આ વ્યવસ્થા અનિશ્ચિતકાળ સુધી ચાલુ રહેશે.

રાષ્ટ્રપતિ દિસાનાયકેએ અધિકારીઓને સૂચના આપી છે કે, દેશે સૌથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ રહેવું પડશે. જોકે, હોસ્પિટલ, બંદર અને ઇમરજન્સી સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. સરકારે તમામ જાહેર કાર્યક્રમો અને ઉત્સવો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. સરકારી કર્મચારીઓને ઇંધણ બચાવવા માટે શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ કરવા જણાવાયું છે.

શ્રીલંકા પોતાની ઇંધણ અને વીજળીની જરૂરિયાત માટે સંપૂર્ણપણે આયાત પર નિર્ભર છે. રવિવારથી જ દેશમાં ઇંધણનું રેશનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે અઠવાડિયામાં માત્ર 15 લિટર પેટ્રોલ કે ડીઝલ મળશે. અઠવાડિયામાં વધુમાં વધુ 200 લિટરની મર્યાદા નક્કી કરાઈ છે. અધિકારીઓના મતે દેશ પાસે હવે માત્ર છ અઠવાડિયા ચાલે તેટલું જ તેલ બચ્યું છે. જો નવો પુરવઠો નહીં આવે તો સ્થિતિ અત્યંત ગંભીર બની શકે છે.

વર્ષ 2022માં શ્રીલંકા આર્થિક રીતે સંપૂર્ણ કંગાળ થઈ ગયું હતું. હાલમાં તે આઈએમએફ પાસેથી મળેલા 2.9 અબજ ડોલરના પેકેજની મદદથી માંડ બેઠું થઈ રહ્યું હતું, ત્યાં ફરી એકવાર વૈશ્વિક તણાવને કારણે તેની અર્થવ્યવસ્થા જોખમમાં મુકાઈ છે.

આ પણ વાંચોઃ મિડલ ઈસ્ટમાં વિસ્ફોટક સ્થિતિ: UAE માં ઓઇલ ટેન્કર પર હુમલો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code