- ગુજરાતમાં પ્રથમ રબરનો ડેમ બનશે
- ડેમને લીધે તાલુકાના 60 ગામોને ફાયદો થશે
- ચોમાસામાં પાણી અને કાંપ કાઢવા માટે રબર ડેમમાંથી હવા કાઢી નાખવામાં આવશે
છોટાઉદેપુરઃ ગુજરાતમાં તમામ ડેમ સિમેન્ટ-ક્રોંક્રીટના બનેલા છે. અને કૂદરતી આફતમાં પણ તમામ ડેમ અડિખમ રહ્યા છે. ત્યારે હવે બોડેલી તાલુકાના રાજવાસણા ખાતે હિરણ નદી પર રૂ.100 કરોડના ખર્ચે ગુજરાતનો પ્રથમ રબર ડેમ બનશે. આ પ્રોજેક્ટમાં કેનાલ માટે વધારાના રૂ.28 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ખાતે હીરણ નદી પર 100 કરોડના ખર્ચે રબરનો ડેમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમ બનાવવા માટે એજન્સીની નિમણૂક કરી વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. રાજવાસણા ખાતે હિરણ નદી ઉપર બે ફેઝમાં કામ કરાશે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં રબર ડેમનું બાંધકામ, કાંપ દૂર કરવાનું કામ અને નદી કિનારે દીવાલ બનાવવાનું કામ થશે. જ્યારે બીજા ફેઝમાં કેનાલની કામગીરી કરવામાં આવશે. જેના દ્વારા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 1956માં મુંબઈ રાજ્ય દરમિયાન એક આડબંધ બનાવવામાં આવ્યો હતો, જે વર્ષો સુધી આજુબાજુના 60 ગામ માટે વરદાનરૂપ સાબિત થયો હતો. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોથી આડબંધમાં કાંપ ભરાવાને કારણે તે છીછરો થઈ ગયો છે. જેના કારણે પાણીનો સંગ્રહ થઇ શકતો નથી. આના કારણે આસપાસના ગામોમાં પીવાના પાણી અને સિંચાઈની મોટી સમસ્યા સર્જાઈ છે. આ અંગે સ્થાનિક આગેવાનોએ આ આડબંધ તોડીને નવો બનાવવા માટે સરકારને રજૂઆતો કરી હતી, જેના પરિણામે ગુજરાત સરકારે રાજવાસણા ખાતે નવા રબર ડેમની મંજૂરી આપી છે. જેમાં આડબંધ બનાવવા માટે રૂ 100 કરોડની રકમ તેમજ કેનાલ માટે રૂ 28 કરોડની રકમ મંજૂર કરી દેવામાં આવી છે.
બોડેલીના સુખી સિંચાઈ યોજનાના સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રાજવાસણા ખાતે 100 કરોડના ખર્ચે રબર ડેમ બનાવવા માટેની મંજૂરી મળી હતી. જેની વિભાગીય કચેરીથી યાંત્રિક મંજૂરી ટેન્ડર કરીને ઇજારદારને વર્ક ઓર્ડર આપ્યો છે. ટૂંક સમયમાં રાજવાસણા ખાતે નવીન ટેકનોલોજી દ્વારા ગુજરાત રાજ્યનો પ્રથમ રબર ડેમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રબર ડેમ બનવાથી આજુબાજુના જે ગામો છે, એમાં ગ્રાઉન્ડ વોટર બોર રિચાર્જ થશે. જેનાથી લોકોના જળસ્તર ઊંચા આવશે અને એ રીતે ખેડૂતને ખેતીનો લાભ થશે. બીજા ફેઝમાં લિફ્ટ ઇરીગેશન સ્કીમ બનાવી ઇરીગેશન નેટવર્ક દ્વારા ખેડૂતોને સિંચાઇનો લાભ આપવામાં આવશે. હાલમાં સમુદ્ર સપાટીથી 84 મીટરની ઊંચાઈએ આવેલા ડેમમાંથી દોઢ મીટર કાંપ દૂર કરી 82.50 મીટરની ઊંચાઈ રાખવામાં આવશે. ચોમાસા દરમિયાન પાણી અને કાંપ કાઢવા માટે રબર ડેમમાંથી હવા કાઢી નાખવામાં આવશે. ચોમાસાના અંતે પાણી સંગ્રહ માટે ફરી હવા ભરવામાં આવશે. આ નવીન ટેકનોલોજીથી પંથકના 60 ગામને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહેશે.