
યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહીને પગલે વિશ્વના 38 દેશોએ તેમના એરસ્પેસમાં રશિયા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો
નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કહેલી સૈન્ય કાર્યવાહીનો આજે નવમો દિવસ છે. રશિયાએ કરેલા હુમલાને પગલે વિશ્વના ઘણા દેશો દ્વારા રશિયા પર સતત પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. અમેરિકા અને યુરોપિયન સહયોગી દેશો યુક્રેન પર હુમલો કરવા માટે રશિયા પર સતત પ્રતિબંધો વધારી રહ્યા છે. રશિયાને સંપૂર્ણપણે અલગ કરવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે. પ્રતિબંધોને કારણે રશિયાની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થઈ રહ્યું છે.
યુક્રેનમાં યુદ્ધની વચ્ચે, વ્હાઇટ હાઉસે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આંતરિક વર્તુળમાં લોકોને ધ્યાનમાં રાખીને વધારાના નાણાકીય પ્રતિબંધોની જાહેરાત કરી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, તે 19 રશિયન એલિટ ક્લાસ અને તેમના ડઝનેક પરિવારના સભ્યો અને સહયોગીઓ પર મુસાફરી પ્રતિબંધ લાદી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પોતાના સંબોધનમાં કહ્યું છે કે વ્લાદિમીર પુતિનને ખ્યાલ નથી કે આ પ્રતિબંધોથી રશિયાને કેટલું નુકસાન થશે. પુતિનને યુદ્ધના મેદાનમાં સફળતા મળી રહી છે પરંતુ તેમણે આગામી દિવસોમાં તેની કિંમત ચુકવવી પડશે. બેંકિંગ અને રમતના મેદાનથી લઈને હવાઈ ક્ષેત્ર ઉપર પ્રતિબંધને લઈને રશિયાને ઘેરવામાં આવી રહ્યું છે.
રશિયાના સૈનિકો સતત યુક્રેનના ઘણા વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે અને ઘણું નુકસાન કરી રહ્યા છે, તેથી વિશ્વના ઘણા દેશોએ રશિયાને પાઠ ભણાવવા માટે તેના એરસ્પેસ પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયાએ વિશ્વના લગભગ 38 દેશો સાથે હવાઈ સંપર્ક કાપી નાખ્યો છે. યુક્રેનમાં લડાઈ શરૂ થયા બાદ અમેરિકા, બ્રિટન, યુરોપિયન યુનિયન સહિત વિશ્વના 38 દેશોએ તેમના એરસ્પેસમાં રશિયન વિમાનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયથી રશિયન અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થવાનું છે. ઉપરાંત, તે વિશ્વના ઘણા દેશોમાંથી કપાઈ ગયું છે. તેની સીધી અસર રશિયાના એવિએશન ડિપાર્ટમેન્ટ અને તેના સંબંધિત કંપનીઓ પડવાની શકયતા છે. દુનિયાની કુલ એરલાઈન્સમાં રશિયાનો હિસ્સો 6 ટકા માનવામાં આવી રહ્યો છે.
ઘણા દેશોએ રશિયન સ્ટેટ બેંકોના નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો છે. યુએસ, યુકે સહિત 11 દેશોમાં રશિયન બેંકો સામે નાણાકીય વ્યવહારો પર મોટા પાયે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તે જ સમયે, ઘણા દેશોમાં રશિયન બેંકો અને અન્ય સંસ્થાઓની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે. રશિયાને SWIFT પહેલા જ બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે, જે પુતિન માટે મોટો ફટકો છે. SWIFTથી અલગ થયા બાદ હવે રશિયન સેન્ટ્રલ બેંક અને અન્ય પ્રતિબંધિત બેંકો અન્ય દેશોની બેંકો સાથે કોઈપણ રીતે નાણાકીય વ્યવહાર કરી શકશે નહીં.