
યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીમાં પોતાના કેટલાક સેનિકના મૃત્યુનું રશિયાએ સ્વિકાર્યું
નવી દિલ્હીઃ રશિયાએ કરેલી સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 14 જેટલા બાળકો સહિત 300થી વધારે નાગરિકોના મૃત્યુ થવાનો યુક્રેને દાવો કર્યો છે. એટલું જ નહીં રશિયાના જવાનોને સામનો કરીને 3500 જેટલા સૈનિકોને માર્યા હોવાનો પણ દાવો કર્યો હતો. બીજી તરફ રશિયાએ પણ પ્રથમવાર સ્વિકાર્યું છે કે, યુક્રેનમાં પોતાના કેટલાક સૈનિકના મોત થયાં છે.
રશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ગોર કોનાશેન્કોવએ જણાવ્યું હતું કે, અમારા કેટલાક સૈનિકોનું મૃત્યુ થયું છે અને કેટલાક સૈનિકો ઘાયલ થયાં છે. તેમણે મૃતકો અને ઘાયલોના આંકડો જાહેર કર્યો ન હતો. તેમણે કહ્યું કે, યુક્રેનના સૈનિકોની સરખામણીએ રશિયાને ઘણુ ઓછુ નુકશાન થયું છે. હુમલાની શરૂઆત કર્યા બાદ અત્યાર સુધીમાં યુક્રેનના 1067 જેટલા સૈન્ય સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં છે. જેમાં 17 કમાન પોસ્ટ અને સંપર્ક કેન્દ્રો અને 38 વાયુ રક્ષા મિસાઈલ પ્રણાલી અને 56 રડાર પ્રણાલી સામેલ છે. જ્યારે યુક્રેને દાવો કર્યો હતો કે, રશિયાના 3500 જેટલા સૈનિકોને મારવામાં આવ્યાં છે. બંને દેશ દ્વારા કરવામાં આવેલા દાવાની પુષ્ટી કરી શકાય તેમ નથી. યુદ્ધમાં સૈન્ય નુકસાનનો ચોક્કસ આંકડો યુદ્ધ સમાપ્ત થયા બાદ સામે આવે તેવી શક્યતા છે.
રશિયાએ પડોશી દેશ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. જેનો યુકે અને અમેરિકા સહિતના દેશોએ વિરોધ કર્યો હતો. તેમજ કેટલાક આકરા પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધો હતો. જ્યારે પાકિસ્તાન અને ચીને રશિયાના સૈન્ય કાર્યવાહીને સમર્થન આપ્યું હતું. જો કે, ભારત દ્વારા બંને દેશોને હિંસા અટકાવીને શાંતિથી ઉકેલ લાવવા માટે અપીલ કરી હતી. બીજી તરફ રશિયા યુક્રેનમાં મીસાઈલથી હુમલા કરવાની સાથે રશિયાનું સૈન્ય એક બાદ કેટલાક શહેરો ઉપર કબજો કરવા માટે સતત આગળ વધી રહ્યાં છે.