
સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ 11 વર્ષ બંધ રહ્યા બાદ મંજુરી મળતા જહાજ ભંગાવવા માટે લાંગર્યું
જામનગરઃ શહેર નજીક આવેલા સચાણા ખાતે બંધ પડેલો શિપબ્રેકીંગ ઉદ્યોગ 11 વર્ષ બાદ પુન: શરૂ થયો છે. મંદીના માહોલમાં અલંગ ખાતે જહાજોની આવક ઘટી છે, ત્યારે સંચાણા ખાતે પણ પુન: શિપબ્રેકીંગ યાર્ડ શરૂ થતા અલંગની હરીફાઈ વધશે. 11 વર્ષની કાનુની લડાઇ અને અડચણો બાદ સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ ધમધમતુ થયુ છે, અને પ્રથમ જહાજ ગુરૂવારે સચાણાના શિપયાર્ડમાં ભંગાવવા માટે લાંગર્યું હતું.
જીએમબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષ 2011-12માં સચાણા ખાતે 18 શિપ બ્રેકિંગ પ્લોટમાં કુલ 38 જહાજ ભંગાયા હતા. અને ત્યારબાદ ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) અને વન-પર્યાવરણ વિભાગ વચ્ચે મરિન નેશનલ પાર્ક, રાષ્ટ્રીય અભિયારણ્ય અંગે વિવાદ સર્જાતા શિપ બ્રેકિંગ વ્યવસાય બંધ કરાવવામાં આવ્યો હતો. દરમિયાન ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2020માં શિપ બ્રેકિંગ વ્યવસાય સચાણા ખાતે પુન: શરૂ કરવા માટે અનુમતિ આપી હતી અને વર્ષ 2013ના શિપ બ્રેકિંગ કોડ મુજબ કામગીરી કરવા માટેના આદેશ આપ્યા હતા. હવે સચાણા શિપ બ્રેકિંગ યાર્ડમાં પુનઃ કામકાજ શરૂ થતાં આ વિસ્તારમાં રોજગારીની તક ઊભી થશે.
સચાણા શિપ બ્રેકિંગ એસોસિઅશેનના સૂત્રોએ જણાવ્યું હતું કે, શિપ બ્રેકિંગ યાર્ડમાં રીસાયકલિંગ માટે સરકારની સહાયતાથી હોંગકોંગ કન્વેન્શન મુજબની સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ વ્યવસાય પુન: ધમધમતો થવાથી 18 પ્લોટ થકી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 20,000 લોકોને રોજગારી મળી રહેશે. હોસ્પિટલ, તાલીમ કેન્દ્ર સહિતની કાર્યવાહી પણ ગતિમાં છે. વર્ષ 2020માં હાઇકોર્ટનો ચુકાદો શિપબ્રેકિંગ વ્યવસાયની તરફેણમાં આવ્યા બાદ સચાણામાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબની સવલતો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે વર્ષ 2022માં રૂપિયા 25 કરોડ, 2023માં રૂપિયા 24 કરોડ ફાળવ્યા છે અને તેમાંથી યાર્ડ ડેવલપ કરવા, રસ્તા, પાણી, વીજળી સહિતની કામગીરીઓ કરવામાં આવી રહી છે. (File photo)