Homeગુજરાતીમણિપુરના તેંગનૌપાલમાં ઇન્ડો-મ્યાન્માર બોર્ડર પાસે અસ્સામ રાઇફલ્સની ચોંકી પર ઉગ્રવાદીઓનો હુમલો

મણિપુરના તેંગનૌપાલમાં ઇન્ડો-મ્યાન્માર બોર્ડર પાસે અસ્સામ રાઇફલ્સની ચોંકી પર ઉગ્રવાદીઓનો હુમલો

નવી દિલ્હીઃ મણિપુરના તેંગનૌપાલ જિલ્લામાં ઇન્ડો-મ્યાન્માર બોર્ડર નજીક સ્થિત અસ્સામ રાઇફલ્સની એક ચોંકી પર ઉગ્રવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ ચોંકી 3 અસ્સામ રાઇફલ્સની અલ્ફા કંપનીની હતી. હુમલાખોરોએ સૌપ્રથમ હેન્ડ ગ્રેનેડ ફેંક્યા અને ત્યારબાદ ભારે ફાયરિંગ શરૂ કર્યું હતું. ચોંકીમાં તૈનાત જવાનોએ તરત જ જવાબી કાર્યવાહી કરી હતી, જેના કારણે બંને તરફથી આશરે 15–20 મિનિટ સુધી ગોળીબારી ચાલી હતી. દરમિયાન હુમલાખોરો અંધારુ અને ગીચ જંગલનો લાભ લઈને ભાગી છૂટ્યાં હતા. ઘટનાની જાણ થતા જ સિનિયર સેનાધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

સુરક્ષા દળોના જણાવ્યા મુજબ આ હુમલામાં અસ્સામ રાઇફલ્સના ચાર જવાન ઘાયલ થયા છે. જેમાંથી એક જવાનને પેટમાં ગોળી વાગી હોવાનું જાણવા મળે છે. તમામ જવાનોને પહેલા નજીકના ફીલ્ડ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે તેમને ઇમ્ફાલના સૈનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. હજુ સુધી કોઈ પણ ઉગ્રવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

હુમલા બાદ સુરક્ષા દળોએ આખો વિસ્તાર કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. વધારાના અસ્સામ રાઇફલ્સના દળો અને મણિપુર પોલીસની ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે. જંગલોમાં વિશાળ સર્ચ ઓપરેશન ચાલુ છે અને ડ્રોન તથા હેલિકોપ્ટર દ્વારા પણ સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. તેંગનૌપાલ જિલ્લો મ્યાન્મારની સરહદને અડીને આવેલ છે અને છેલ્લા કેટલાય મહિનાઓથી અહીં ફરીથી ઉગ્રવાદી હલચલમાં વધારો જોવા મળી રહ્યો છે. મે 2023માં શરૂ થયેલી કુકી–મૈતેઈ જાતીય હિંસા બાદ આ વિસ્તાર સતત અશાંત રહ્યો છે.

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img