Site icon Revoi.in

આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં SAPTIની નોંધનીય ભૂમિકા, 674 ઉમેદવારો સ્નાતક થયા

Social Share

ગાંધીનગર, 19 જાન્યુઆરી 2026: વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત SAPTI એટલે કે સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ રાજ્યના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને વેગ આપી રહ્યું છે. આ સંસ્થા પથ્થરકલાના મૂલ્યવાન વારસાને જાળવવા સાથે યુવાનોને આત્મનિર્ભર બનાવી રહી છે. ડિસેમ્બર 2025 સુધીમાં, કુલ 674 ઉમેદવારો આ સંસ્થામાંથી સ્નાતક થયા છે.

*ગુજરાતમાં અંબાજી અને ધ્રાંગધ્રા ખાતે છે આર્ટિઝન પાર્ક*

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણકામ વિભાગ તેમજ ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા સ્થાપિત SAPTI સંસ્થા રાજ્યના શિલ્પકળા ઉદ્યોગની સંભાવનાઓનો ઉપયોગ કરે છે અને પથ્થરકલા અને શિલ્પ-સ્થાપત્યના મૂલ્યવાન વારસાને આગળ ધપાવે છે. રાજ્યમાં અંબાજી (બનાસકાંઠા જિલ્લો) અને ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર જિલ્લો) ખાતે- એમ બે આર્ટિઝન પાર્ક્સની સ્થાપના કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં સ્થિત SAPTI-અંબાજી આરસના શિલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સ્થિત SAPTI-ધ્રાંગધ્રા રેતી-પથ્થરના શિલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે SAPTI જેવી સંસ્થા સાંસ્કૃતિક ધરોહરને રોજગારના અવસરો સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

*2022થી 2025 દરમિયાન SAPTIના બંને કેન્દ્રો પર 1,082 ઉમેદવારોની નોંધણી થઈ*

2022થી 2025 દરમિયાન SAPTIના બંને કેન્દ્રો પર 1,082 ઉમેદવારોની નોંધણી થઈ છે. 26 ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 674 ઉમેદવારો આ સંસ્થામાંથી સ્નાતક થયા છે, જેમાં અંબાજી કેન્દ્રના 307 ઉમેદવારો અને ધ્રાંગધ્રા કેન્દ્રના 367 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ આંકડો ગુજરાતના શિલ્પ ઉદ્યોગ માટે કુશળ કાર્યબળ ઘડવામાં સંસ્થાની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે.

*SAPTI થકી અક્ષય પિલાણી બન્યા શિલ્પકળામાં પારંગત, મહિને કરે છે ₹40,000ની કમાણી*

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાન અક્ષય પિલાણી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ભારતીય પોલીસ અથવા આર્મીમાં જોડાવા માગતા હતા. આ દરમિયાન તેમને SAPTI-ધ્રાંગધ્રાના માધ્યમથી પથ્થર હસ્તકલા અને ડિઝાઇનમાં કારકિર્દીની તક વિશે જાણવા મળ્યું. સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇન કોર્સમાં પ્રવેશ મેળવ્યા બાદ તેમની કારકિર્દીને નવો વળાંક મળ્યો હતો. માળખાગત અને વ્યવહારૂ તાલીમ અને નિષ્ણાતોના માર્ગદર્શન દ્વારા અક્ષયે પથ્થરની કોતરણી, ચિત્રકામ, પ્રોડક્ટ ડિઝાઇન અને આધુનિક મશીનરીના ઉપયોગ સાથે પરંપરાગત કોતરણીની ટેકનિકમાં પણ નિપુણતા મેળવી.આજે તેઓ દર મહિને લગભગ ₹40,000 કમાય છે. તેમની આ સફરે અન્ય યુવાનોને પણ શિલ્પકળા પ્રત્યે આકર્ષિત કર્યા છે.

Exit mobile version