સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS)અમેરિકાની મુલાકાતે પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. લગભગ સાત વર્ષ પછી સાઉદી ક્રાઉન પ્રિન્સની આ પ્રથમ અમેરિકાની મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક ઐતિહાસિક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે.ક્રાઉન પ્રિન્સ MBS સાથેની મુલાકાત પહેલા, યુએસ રાષ્ટ્રપતિએ સોમવારે જાહેરાત કરી હતી કે અમેરિકા સાઉદી અરેબિયાને અદ્યતન F-35S ફાઇટર જેટ વેચશે.સાઉદી અરેબિયાની વિનંતી પર, અમેરિકા 48 F-35S ફાઇટર જેટ પૂરા પાડશે.આ ઉપરાંત, બંને દેશોએ આશરે 300 યુએસ ટેન્કની ડિલિવરીને પણ મંજૂરી આપી.
અત્યાર સુધી, માત્ર ઇઝરાયલને જ F-35 મેળવવા માટે અધિકૃત કરવામાં આવ્યું હતું. જોકે, સાઉદી અરેબિયા સાથેના આ સોદાથી પરિસ્થિતિ બદલાઈ રહી છે. જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જણાવ્યું કે ઇઝરાયલ આ સોદાથી પહેલેથી જ વાકેફ હતું, અને સાઉદી અરેબિયા તેમજ ઇઝરાયલ બંને અમેરિકાના સારા મિત્રો છે.
વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી બેઠક દરમિયાન, બંને દેશોએ ઐતિહાસિક પરમાણુ કરાર પર પણ હસ્તાક્ષર કર્યા.વ્હાઇટ હાઉસના નિવેદન મુજબ, તેમણે નાગરિક પરમાણુ ઊર્જા, એક મહત્વપૂર્ણ ખનિજ માળખાગત સુવિધા અને AI સમજૂતી કરાર (MOU) પર પણ હસ્તાક્ષર કર્યા.આ ઉપરાંત, યુએસ-સાઉદી સ્ટ્રેટેજિક ડિફેન્સ એગ્રીમેન્ટ (SDA) પર પણ હસ્તાક્ષર થયા.ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પોતે ખુલાસો કર્યો કે અમેરિકામાં સાઉદી અરેબિયાનું રોકાણ $600 બિલિયનથી વધીને $1 ટ્રિલિયન થવાનું છે, જે બંને દેશો વચ્ચેના મજબૂત આર્થિક સંબંધોને દર્શાવે છે.
નોંધનીય છે કે 2018માં અમેરિકન પત્રકાર જમાલ ખશોગીની હત્યા બાદ અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો મુશ્કેલ બન્યા હતા. જોકે, યુએસ રાષ્ટ્રપતિ હવે સાઉદી અરેબિયા સાથે સંબંધો સુધારવા પર ભાર મૂકી રહ્યા છે.ક્રાઉન પ્રિન્સના સ્વાગત માટે આયોજિત એક ભવ્ય ડિનર પાર્ટી દરમિયાન, ટ્રમ્પે સાઉદી અરેબિયાને મુખ્ય નોન-નાટો સાથી (Major Non-NATO Ally – MNNA) જાહેર કર્યું. અમેરિકાએ અત્યાર સુધી ફક્ત 19 દેશોને આ વિશેષ દરજ્જો આપ્યો છે. આ દરજ્જો સાઉદી અરેબિયાને સંરક્ષણ સહયોગ, તાલીમ અને શસ્ત્રોના વેચાણ સંબંધિત અનેક લાભો પૂરા પાડશે.

