Site icon Revoi.in

સાઉદી અરબઃ મક્કાથી મદીના જતા ભારતીય યાત્રીઓની બસમાં લાગી આગ, 42ના મોતની આશંકા

Social Share

નવી દિલ્હી સાઉદી અરબના મુફરિહત વિસ્તારમાં મક્કાથી મદીના જઈ રહેલી ઉમરા યાત્રીઓની બસ સાથે ડીઝલ ટેન્કર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 42 ભારતીય યાત્રીઓના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ મળી છે. યાત્રીઓ ઊંઘમાં હતા ત્યારે સાઈડથી આવી રહેલા ટેન્કરે બસને જોરદાર ટક્કર મારી હતી. તેમજ તેમાં આગ ભભૂકી ઊઠી હતી. સ્થળ પર સાઉદીની રેસ્ક્યુ ટીમો તત્કાલ પહોંચી ગઈ હતી અને બચાવકાર્ય આરંભી દીધું હતું. અનેક યાત્રીઓને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત બાદ તેલંગાણા ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ઊંડો દુઃખ વ્યક્ત કર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અકસ્માત અંગે શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસ અને જેદ્દા સ્થિત વાણિજ્ય દૂતાવાસ અસરગ્રસ્ત ભારતીય નાગરિકો અને તેમના પરિવારજનોને તમામ સંભવિત સહાય પૂરી પાડવા માટે કાર્યરત છે. તેમણે કહ્યું, “મદીના પાસે ભારતીય નાગરિકો સાથે થયેલા આ દુર્ઘટનાથી ખુબ દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના છે.”

દુર્ઘટના બાદ જેદ્દા સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે તાત્કાલિક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે, જેથી અસરગ્રસ્તો અથવા તેમના સ્વજનો જરૂરી માહિતી મેળવી શકે. મક્કા–મદીના હાઈવે ઉમરા અને હજ યાત્રીઓ માટે સૌથી વ્યસ્ત માર્ગ હોવાથી હજારો ભારતીયો અહીંથી પસાર થાય છે.

Exit mobile version