પાકિસ્તાની સેના પ્રમુખની મુલાકાતનો સાઉદી પ્રિન્સે કર્યો ઈનકાર
રિયાધ, 2 જાન્યુઆરી 2026 : યમનમાં ચાલી રહેલા આંતરવિગ્રહને કારણે હવે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વિવાદની સીધી અસર પાકિસ્તાનના રાજકારણ પર પણ જોવા મળી રહી છે. સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને (MBS) પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીર કે અન્ય કોઈ પણ નેતાને મળવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે, જેનાથી ઈસ્લામાબાદમાં ફફડાટ વ્યાપી ગયો છે.
યમનમાં UAE સમર્થિત અલગતાવાદી જૂથ ‘સાઉધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ’ (STC) એ હદરામૌત અને મહરા પ્રાંતોના મોટા હિસ્સા પર કબજો જમાવી લીધો છે. સાઉદી અરેબિયાએ UAE ને ચેતવણી આપી છે કે, તેઓ યમનમાંથી પોતાની સેના પાછી ખેંચી લે. તણાવ એટલો વધી ગયો છે કે 1 જાન્યુઆરીના રોજ STC એ સાઉદી અધિકારીઓના વિમાનને અદન એરપોર્ટ પર ઉતરવા દીધું નહોતું.
પાકિસ્તાની સેનાના પૂર્વ મેજર આદિલ રાજાના જણાવ્યા અનુસાર, સાઉદી પ્રિન્સ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીર પર અત્યંત નારાજ છે. તેનું મુખ્ય કારણ UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની પાકિસ્તાન મુલાકાત છે. જ્યારે સાઉદીએ યમનમાં UAE દ્વારા મોકલવામાં આવેલા હથિયારોના જથ્થા પર એરસ્ટ્રાઈક કરી હતી, તેવા સમયે શહબાઝ શરીફે નૂરખાન એરબેઝ પર UAE ના રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ બાબત સાઉદીને ખટકી રહી છે. આર્મી ચીફ આસિમ મુનીર આ મામલે સ્પષ્ટતા કરવા રિયાધ જવા માંગતા હતા, પરંતુ સાઉદી પ્રિન્સે તેમને મળવાની ના પાડી દીધી છે.
આ વિવાદ વચ્ચે વધુ એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. હાલમાં નવાઝ શરીફ અને મરિયમ નવાઝ દુબઈમાં છે અને UAE સરકારના સંપર્કમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવાઝ શરીફ ઈચ્છે છે કે UAE ના રાષ્ટ્રપતિ આસિમ મુનીર પર દબાણ લાવે જેથી મરિયમ નવાઝને પાકિસ્તાનના વડાપ્રધાન બનાવવામાં આવે. સાઉદી અરેબિયા પાકિસ્તાની નેતાઓના આ ‘ડબલ ગેમ’ થી નારાજ હોવાનું મનાય છે.
વધુ વાંચો: ઓડિશાના મયુરભંજમાં બસ અને મોટરસાયકલ વચ્ચે ટક્કર, 3 યુવાનોના મોત


