સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પેપરલિકકાંડ બાદ વધુ તકેદારી, પ્રશ્નપત્રના સિલબંધ કવર પર બે છાત્રોની સહી લેવાશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ પેપેરલિકકાંડને લીધે યુનિ.ના સત્તાધિશો પર માછલાં ધોવાયા હતા. તેથી હવે યુનિ.ના સત્તાધિશો છાસ પણ ફૂંકીને પીએ છે. એટલે કે પરીક્ષા દરમિયાન પેપરલિકની ફરીવાર ઘટના ન બને તે માટે વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. યુનિ.દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં પરીક્ષામાં હવે પેપરનું બોક્સ પરીક્ષાના 30 મિનિટ પહેલા અને બોક્સમાં રહેલું પેપરનું પેકેટ પરીક્ષા શરૂ થયાના 10 મિનિટ પહેલા જ કાઢવાનું રહેશે. આ ઉપરાંત સીલપેક પેપર કાઢનારે કેન્દ્રમાં પ્રશ્નપત્ર સીલબંધ કવરમાં ખોલવા અંગેનું પ્રમાણપત્ર ભરવું પડશે અને આ પ્રમાણપત્રમાં વર્ગખંડમાં હાજર બે વિદ્યાર્થીની સહી લેવામાં આવશે જેથી એવું પ્રસ્થાપિત કરી શકાય કે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર સીલબંધ કવરમાં જ મોકલાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઓક્ટોબર-2022માં થયેલા પેપરકાંડ બાદ અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષાની બાબતમાં ગંભીરતા રાખવી હોય એમ પરીક્ષા દરમિયાન પેપર સીલપેક બોક્સ અને કવરમાંથી ખોલવા અંગેની ગાઈડલાઈન જાહેર કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં હવે પેપરનું બોક્સ પરીક્ષાના 30 મિનિટ પહેલા અને બોક્સમાં રહેલું પેપરનું પેકેટ પરીક્ષા શરૂ થયાના 10 મિનિટ પહેલા જ કાઢવાનું રહેશે. આ ઉપરાંત સીલપેક પેપર કાઢનારે કેન્દ્રમાં પ્રશ્નપત્ર સીલબંધ કવરમાં ખોલવા અંગેનું પ્રમાણપત્ર ભરવું પડશે અને આ પ્રમાણપત્રમાં વર્ગખંડમાં હાજર બે વિદ્યાર્થીની સહી લેવામાં આવશે જેથી એવું પ્રસ્થાપિત કરી શકાય કે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર સીલબંધ કવરમાં જ મોકલાયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા કોલેજોને કરાયેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સમયાંતરે લેવામાં આવતી જુદી-જુદી વિદ્યાશાખાની પરીક્ષાઓમા પ્રશ્નપત્રોના સીલબંધ પેકેટ માટેનું બોક્સ નિયત સમય મર્યાદામાં એટલે કે પરીક્ષા શરૂ થતાં પહેલા 30 મિનિટ અગાઉ ખોલવાનું રહેશે તેમજ સીલબંધ બોક્સના પેકેટમાંથી સીલબંધ કવર વિદ્યાર્થીઓની હાજરીમાં પરીક્ષા ખંડમાં પરીક્ષાના નિયત સમયના 10 મિનિટ અગાઉ ખોલવાનું રહેશે. તેમજ સમ્રગ પ્રક્રિયા સીસીટીવી કેમેરા સમક્ષ કરવાની રહશે. આ સાથે ‘પ્રશ્નપત્રો સીલબંધ કવરમાં ખોલવા અંગેનું પ્રમાણપત્ર’ અવશ્ય ભરવાનું રહેશે, તેમજ તેની અલગથી ફાઇલ બનાવી અને રીસિવિંગ સેન્ટર પર અવશ્ય જમા કરાવવાનું રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ અગાઉ પરીક્ષાના પેપર અગાઉથી ફૂટે નહીં તે માટે ઓફલાઈન એટલે કે જે-તે પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ મોકલવાને બદલે ઓનલાઈન ઈ-મેલ દ્વારા મોકલવાની જાહેરાત કરી હતી પરંતુ અત્યાર સુધીમાં ઘણી પરીક્ષા લેવાઈ જેમાં માત્ર ગણતરીના પેપર ઓનલાઈન મોકલ્યા. બાકી મોટાભાગના પેપર હજુ પણ ઓફલાઈન જ મોકલવામાં આવી રહ્યા છે. આગામી પરીક્ષામાં યુનિવર્સિટી સામે પેપર ઓનલાઈન મોકલવાનો પડકાર છે.