RBI ની નીતિ મુદ્દે SBIની ભલામણ, OMO રણનીતિ બદલવી જરૂરી
મુંબઈ, 28 જાન્યુઆરી 2026: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન અર્થતંત્રમાં તરલતા વધારવા માટે અનેક મોટા પગલાં લેવામાં આવ્યા છે, તેમ છતાં તેનું પરિણામ અપેક્ષા મુજબ જોવા મળ્યું નથી. એસબીઆઈ રિસર્ચ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, ઓપન માર્કેટ ઓપરેશન હેઠળ અંદાજે રૂ. 6.6 લાખ કરોડ બજારમાં નાખવા છતાં સરકારી બોન્ડ અને અન્ય રોકાણ સાધનો પર વ્યાજદરમાં જોઈએ તેવો ઘટાડો થયો નથી.
રિપોર્ટ અનુસાર, બજારમાં આટલી મોટી માત્રામાં રોકડ ઠાલવ્યા પછી પણ તેની અસર તમામ ક્ષેત્રોમાં સમાન રીતે દેખાઈ રહી નથી. આ સ્થિતિને રિપોર્ટમાં ‘અસમાન ટ્રાન્સમિશન’તરીકે ઓળખાવવામાં આવી છે, કારણ કે કેટલાક સેક્ટરમાં વ્યાજદર ઘટ્યા છે જ્યારે અન્યત્ર તે અત્યંત મર્યાદિત રહ્યા છે. એસબીઆઈ રિસર્ચના મતે, આ વર્તમાન ઓપન માર્કેટ ઓપરેશન મૌદ્રિક નીતિના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રયોગ છે. જો તેમાં સીઆરઆર દ્વારા આવેલી રોકડ અને કરન્સી લીકેજ જેવા પરિબળોને પણ ઉમેરવામાં આવે, તો કુલ મળીને અંદાજે રૂ. 5.5 લાખ કરોડની તરલતા બજારમાં ઉપલબ્ધ કરાવાઈ છે.
એસબીઆઈ ગ્રુપના ચીફ ઈકોનોમિક એડવાઈઝર ડો. સૌમ્ય કાંતિ ઘોષના જણાવ્યા અનુસાર, બેંકોના ધિરાણ દરોમાં ઝડપથી ઘટાડો થયો છે. આ જ કારણે મોટી કંપનીઓ હવે બજારમાંથી બોન્ડ દ્વારા ભંડોળ એકત્ર કરવાને બદલે બેંકો પાસેથી લોન લેવાનું વધુ પસંદ કરી રહી છે. ખાસ કરીને સારી રેટિંગ ધરાવતી કોર્પોરેટ કંપનીઓમાં આ ટ્રેન્ડ વધુ જોવા મળ્યો છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બેંકોના લગભગ 65% લોન પોર્ટફોલિયો એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ સાથે જોડાયેલા છે. આને કારણે RBIના વ્યાજદર ઘટાડાની અસર ઝડપથી જોવા મળી છે. નવેમ્બર 2025માં નવી લોન પર સરેરાશ વ્યાજદર ઘટીને 8.71 ટકા થઈ ગયો છે, જે 2025માં અંદાજે 62 BPS જેટલો ઘટ્યો છે.
સ્ટેટ ડેવલપમેન્ટ લોન પર વ્યાજદરની અસમાનતા વધુ સ્પષ્ટ છે. એપ્રિલથી ડિસેમ્બર 2025 વચ્ચે રાજ્યોના દેવા પર સરેરાશ વ્યાજદર 7.16 ટકા રહ્યો, જે ગત વર્ષની તુલનાએ માત્ર 0.07 ટકા જેટલો જ ઓછો છે. ઓગસ્ટ 2025થી મની માર્કેટના વ્યાજદરમાં વધારો નોંધાયો છે. ડિસેમ્બરમાં પણ વ્યાજદર નવેમ્બર કરતા વધુ રહ્યા હતા. 10 વર્ષીય AAA કોર્પોરેટ બોન્ડની યીલ્ડ જે જૂન સુધી ઘટી હતી, તે ત્યારબાદ ફરી વધવા લાગી છે. રિપોર્ટમાં સૂચન કરવામાં આવ્યું છે કે RBI એ ઓપન માર્કેટ ઓપરેશન (OMO) એવા બોન્ડમાં કરવું જોઈએ જેમાં વધુ ટ્રેડિંગ થતું હોય. આનાથી બજારને સ્પષ્ટ સંકેત મળશે અને રોકાણકારોનો ભરોસો વધશે. વધુમાં, 90 દિવસના રેપો લોનને સમય પહેલા પરત લેવાનો RBIનો નિર્ણય વૈશ્વિક સ્તરે દુર્લભ છે, જે બતાવે છે કે RBI તરલતા સંચાલનમાં નવા પ્રયોગો કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ સુરતમાં ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમન્ડ ગ્રુપ પર ઈન્કમ ટેક્સના દરોડા


