1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજયમાં 12 જૂનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, 9.77 લાખ વિદ્યાર્થીઓને બાલવાટિકામાં પ્રવેશ અપાશે
રાજયમાં 12 જૂનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, 9.77 લાખ વિદ્યાર્થીઓને બાલવાટિકામાં પ્રવેશ અપાશે

રાજયમાં 12 જૂનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, 9.77 લાખ વિદ્યાર્થીઓને બાલવાટિકામાં પ્રવેશ અપાશે

0

અમદાવાદઃ રાજ્યના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ-2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની ૧૮ મી શૃંખલા આગામી તા. ૧૨ થી ૧૪ જૂન-ર૦ર૩ દરમ્યાન યોજાશે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં થશે.

પ્રવકતા મંત્રીએ ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે યોજાનાર શાળા પ્રવોશોત્સવ કાર્યક્રમ અંગે આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરીને આખરી ઓપ અપાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યભરના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩નો કાર્યક્રમ તા. ૧૨- ૧૩-૧૪, જૂન-૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. રાજય કક્ષાએથી મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના તમામ મંત્રીઓ, IAS, IPS, IFS કક્ષાના અધિકારીશ્રીઓ, સચિવાલયના અધિકારીઓ આ પ્રવેશોત્સવ કાર્યક્ર્મમાં શાળાએ-શાળાએ જઇ બાળકોને પ્રવેશ અપાવશે.

તેમણે ઉમેર્યું કે, જૂન-૨૦૨૩ના શરૂ થતા ચાલું શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણ માટે દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તેથી આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ પામનાર બાળકોનો પણ પ્રવેશોત્સવમાં સમાવેશ કરવામાં આવશે. ઉપરાંત દરવર્ષની જેમ આંગણવાડી અને ધોરણ-૧ માં પ્રવેશ પામતા બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જે બાળકોની ઉંમર ૧ લી જૂનના રોજ ૫(પાંચ) વર્ષથી વધુ અને ૬(છ) વર્ષ કરતા ઓછી હશે તેને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે, અને જે બાળકની ઉંમર ૧ લી જૂનના રોજ ૬(છ) વર્ષથી વધુ અને ૭(સાત) વર્ષ કરતા ઓછી હશે તેને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવશે.

પ્રવકતા મંત્રીએ કહ્યું હતું કે, જન્મ-મરણ નોંધણીના રજીસ્ટર પરથી મળેલા આંકડાઓ અનુસાર જૂન-૨૦૨૩ થી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં અંદાજે ૯,૭૭,૫૧૩ વિદ્યાર્થીઓ બાલવાટિકામાં પ્રવેશ મેળવશે, અને ૨,૩૦,૦૧૯ વિદ્યાર્થીઓ ધોરણ-૧માં પ્રવેશ મેળવશે. રાજય કક્ષાએથી તથા જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત રહેનાર મહાનુભાવો દિવસ દરમિયાન ત્રણ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. મહાનુભાવો દ્વારા શાળાઓની શૈક્ષણિક સિધ્ધિઓ, ભૌતિક સુવિધાઓ અન્ય ઉપલબ્ધિઓની શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેસી સમીક્ષા કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક તથા સહશૈક્ષણિક પ્રવૃતિઓમાં ઉચ્ચ સિધ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને તાજેતરમાં રાજય સરકાર દ્વારા ધોરણ-૫ ના વિદ્યાર્થીઓની લેવાયેલ કોમન એન્ટરન્સ ટેસ્ટમાં કટ-ઓફ કરતા વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. કોમન એન્ટરન્સ ટેસ્ટનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code