Site icon Revoi.in

વડોદરામાં બ્રિજ પર પાર્ક કરેલી કાર સાથે સ્કૂટર અથડાતા સ્કૂટરચાલકને ઢીબી નાંખ્યો

Social Share

વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં બ્રિજ પર પાર્ક કરેલી કાર પાછળ એક્ટિવા સ્કૂટર અથડાતા કારમાં બેઠેલા મહિલા સહિત 4 શખસોએ સ્કૂટરચાલકને માર માર્યો હતો. દરમિયાન આસપાસના લોકો દોડી આવતા લોકોના ટોળાંએ સ્કૂટરચાલકને બચાવ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને મહિલા સહિત 4 શખસો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવની વિગતો એવી છે કે,  શહેરના દરબાર ચોકડી પાસે આવેલા બ્રિજ પર પાર્ક કરેલી કારને એક્ટિવા ચાલકે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે કારમાંથી ઉતરેલી મહિલા અને પુરુષોએ મળીને એક્ટિવા ચાલકને ઢીબી નાખ્યો હતો. કારમાંથી ઉતરેલા લોકોએ રીતસરનો કાયદો હાથમાં લઇ લીધો હોય તેમ સ્કૂટરચાલકને ધોઈ નાંખ્યો હતો. આ સમયે લોકોનુ ટોળુ એકત્રિત થઇ ગયુ હતુ અને યુવકને વધુ મારથી બચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ અંગેની જાણ થતાં માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને જાહેરમાં મારામારી કરીને ભયનું વાતાવરણ ઊભુ કરવા બદલ કારમાં બેઠેલા ત્રણ તેમજ એક્ટિવા ચાલક સહિત 4 લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, આરોપી ભાવિન કાંતિભાઇ મનાણી (રહે. કિર્તીધામ સોસાયટી, જીવરાજપાર્ક, અમદાવાદ), પરેશ ગિરધરભાઇ ટાંક (ઉં.વ.42), (રહે. આધ્યાઓરા-2, સેવાસી ગામ, ગોત્રી વડોદરા), જાનકી પરેશભાઈ ટાક (ઉં.વ.40), (રહે. આધ્યાઓરા-2, સેવાસી ગામ, ગોત્રી વડોદરા) અને વિજયભાઇ રામચંદ્ર ઘોઘવાલે (રહે. ઓમ રેસિડેન્સી, અટલાદરા વડોદરા)એ ન્યૂ માંજલપુર બ્રિજ ઉપર અકસ્માત બાદ જાહેરમાં ઝઘડો કરીને ભયનું વાતાવરણ ઉભુ કર્યું હતું. તમામે ઝઘડો કરીને છુટ્ટાહાથની મારામારી કરી હતી અને જાહેરમાં સુલેહ શાંતિનો ભંગ કર્યો હતો, જેથી ચારેય આરોપી સામે સરકાર તરફે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.