Site icon Revoi.in

સંસદની સુરક્ષામાં ચૂક, દિવાલ કૂદીને પરિસરમાં ધુસવાનો પ્રયાસ કરનાર ઝડપાયો

Social Share

નવી દિલ્હીઃ સંસદ ભવનની સુરક્ષામાં ફરી એકવાર મોટી ક્ષતિ સામે આવી છે. સવારે લગભગ 6:30 વાગ્યે એક વ્યક્તિ ઝાડની મદદથી દિવાલ કૂદીને સંસદ ભવનમાં પ્રવેશ્યો હતો. તે રેલ ભવન બાજુથી દિવાલ કૂદીને નવા સંસદ ભવનના ગરુડ ગેટ પર પહોંચ્યો હતો. જો કે, સંસદ ભવનમાં હાજર સુરક્ષા કર્મચારીઓએ આરોપીને પકડી લીધો છે અને તેની પૂછપરછ કરી રહ્યા છે.

ઓગસ્ટ 2024 માં પણ દેશના નવા સંસદ ભવનની સુરક્ષામાં ભૂલનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. રેડ ક્રોસ રોડ બાજુથી દિવાલ કૂદીને એક યુવક સંસદ ભવનના પરિસરમાં કૂદી ગયો હતો. જોકે, ત્યાં તૈનાત સુરક્ષા કર્મચારીઓએ તેને સંસદ ભવનમાં પ્રવેશતા પહેલા જ પકડી લીધો હતો. પ્રારંભિક તપાસ બાદ, ઇમ્તિયાઝ અલી નામનો યુવક માનસિક રીતે નબળો હોવાનું કહેવાય છે. દિલ્હી પોલીસ અને ગુપ્તચર વિભાગ સહિત દેશની તમામ સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે યુવકની પૂછપરછ કરી હતી. સંસદની સુરક્ષામાં ભૂલના આ કિસ્સા બાદ, દિલ્હી પોલીસ સહિત દેશની સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો.

ડિસેમ્બર 2023 માં પણ સંસદ ભવનની સુરક્ષામાં મોટી ક્ષતિ જોવા મળી હતી. સુરક્ષા ઘેરો તોડીને બે શંકાસ્પદોએ લોકસભામાં વિઝિટર ગેલેરીમાંથી કૂદી પડ્યા હતા. સંસદની કાર્યવાહી દરમિયાન, બંને માણસો બેન્ચ પર ચઢી ગયા અને કૂદવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ત્યાં અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. દરમિયાન સુરક્ષા કર્મચારીઓ દોડી આવ્યા અને બંને આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા.