Site icon Revoi.in

મણિપુરમાં સુરક્ષા દળોએ કૂકી-ચિન મિઝો આર્મીના કમાન્ડર સહિત 4 ઉગ્રવાદીને ઝડપી પાડ્યાં

Social Share

નવી દિલ્હીઃ મણિપુરમાં શાંતિ જળવાઈ રહે તે માટે સુરક્ષાદળો દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. બીજી તરફ ઉગ્રવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સુરક્ષાદળોએ CKMAના સ્વઘોષિત કમાન્ડર-ઇન-ચીફ પાઓખોલેન ગુઇટ સહિત ચાર ઉગ્રવાદીઓને ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યાં હતા. સુરક્ષાદળોએ ચારેય ઉગ્રવાદીઓની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મણિપુરના ચુરાચાંદપુર જિલ્લાના એસ મુંનુઆમ વિસ્તારમાં સુરક્ષા દળોએ પ્રતિબંધિત ચિન કૂકી મિઝો આર્મી (CKMA)’ના સ્વઘોષિત કમાન્ડર-ઇન-ચીફ પાઓખોલેન ગુઇટે સહિત ચાર ઉગ્રવાદીઓને ઝડપી પાડ્યા છે. ગુઇટે ભારત-મ્યાન્માર સરહદ પરથી હથિયારો તથા નશીલા પદાર્થોની તસ્કરી અને જબરદસ્તી વસૂલીમાં સંડોવાયેલો હતો. તેની પાસેથી બે એકે-47 રાઇફલ, દારૂગોળો, એક લાખ રૂપિયાની રોકડ અને એક કાર જપ્ત કરાઈ હતી. ઉપરાંત, સુરક્ષા દળોએ ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં પીપલ્સ લિબરેશન આર્મી (PLA)’ના બે કાર્યકર્તાઓને અલગ-અલગ સ્થળેથી ઝડપી લીધા. તેઓ ખીણ વિસ્તારમાં ઈંટ ભઠ્ઠાના માલિકો પાસેથી જબરદસ્તી વસૂલીમાં સંડોવાયેલા હતા. થૌબલ જિલ્લામાં પણ એક PLA સભ્યની ધરપકડ કરવામાં આવી છે, જે ખાણ મજૂરો પાસેથી ઉઘરાણી કરતો હતો. હાલમાં સુરક્ષા દળો રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબંધિત સંગઠનો સામે સતત કડક કાર્યવાહી ચલાવી રહ્યા છે.

Exit mobile version