કાશ્મીરમાં નાતાલ અને નવા વર્ષ પૂર્વે સુરક્ષા અભેદ્ય: પ્રવાસન સ્થળોએ તપાસ
શ્રીનગર, 24 ડિસેમ્બર 2025: Christmas and New Year કાશ્મીર ખીણમાં મનમોહક બરફવર્ષાની વચ્ચે નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોઈ પણ અનિચ્છનીય આતંકી ઘટનાને રોકવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ સમગ્ર ખીણમાં સુરક્ષા કવચ મજબૂત કર્યું છે. શ્રીનગરના સંવેદનશીલ વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન અને ‘એરિયા ડોમિનેશન’ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
શ્રીનગર પોલીસ અને CRPF દ્વારા સંયુક્ત રીતે શહેરના નોર્થ ઝોન અને મુખ્ય બજારોમાં ‘એન્ટી-સબોટાજ’ (AST) ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુખ્ય ચોક અને બજારોમાં ટીમો તૈનાત કરવામાં આવી છે, જે વાહનોનું ચેકિંગ, દસ્તાવેજોની ચકાસણી અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે. આ ઓપરેશનમાં પોલીસના વિશેષ તાલીમબદ્ધ શ્વાન દળ (Dog Squad) ની પણ મદદ લેવામાં આવી રહી છે.
- લાલચોક અને મુગલ ગાર્ડન વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત
સુરક્ષા દળોએ શ્રીનગરના હૃદય સમાન લાલચોક, ઘંટાઘર, મહારાજા બજાર અને અમીરા કદલ જેવા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ વિસ્તારો પ્રખ્યાત બક્ષી સ્ટેડિયમની નજીક છે, જ્યાં મહત્વના રાષ્ટ્રીય પર્વોની ઉજવણી થતી હોય છે. આ ઉપરાંત પ્રવાસીઓના ફેવરિટ સ્પોટ એવા નિશાત મુગલ ગાર્ડન અને તેની આસપાસના વિસ્તારોને પણ ‘સેનિટાઈઝ’ કરવામાં આવ્યા છે.
- પહેલગામ નજીક પણ સર્ચ ઓપરેશન
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના સાલિયા વિસ્તારમાં પણ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મોટું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ વિસ્તાર પ્રખ્યાત પ્રવાસન સ્થળ પહેલગામની નજીક હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વનો છે. ચોક્કસ ઇનપુટ્સના આધારે હાથ ધરાયેલું આ ઓપરેશન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “નાતાલ અને નવા વર્ષ પર પ્રવાસીઓની સંખ્યા વધવાની શક્યતા છે. આ પ્રકારના સંયુક્ત સુરક્ષા અભ્યાસનો ઉદ્દેશ્ય સુરક્ષા ગ્રીડને મજબૂત કરવાનો, ઓપરેશનલ સજ્જતા વધારવાનો અને પ્રજા તેમજ પ્રવાસીઓમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવાનો છે.” આગામી દિવસોમાં પણ આ પ્રકારની સઘન તપાસ ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ અમદાવાદના સુભાષબ્રિજને તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીએ આપી સલાહ, હવે નવો બ્રિજ બનાવાશે


