
માલેવાંગ બ્લાસ્ટ કેસમાં ATS સામે એક સાક્ષીએ કર્યાં ગંભીર આક્ષેપ
મુંબઈઃ એનઆઈએની વિશેષ અદાલતમાં માલેગાંવ બ્લાસ્ટ કેસની સુનાવણી ચાલી રહી છે. આ કેસની સુનાવણી દરમિયાન વધુ એક સાક્ષી પોતાના નિવેદનથી ફરી ગયો હતો. તેમજ અગાઉ કેસની તપાસ કરતી એટીએસ ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હોવાનું પણ જાણવા મળે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2008માં માલેગાંવમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વિશેષ એનઆઈએ અદાલતમાં એક સાક્ષીએ એટીએસ અને તે બાદ તપાસ એજન્સી ઉપર અત્યાચારનો આક્ષેપ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, એટીએસએ યોગી આદિત્યનાથ અને આરએસએસના અન્ય ચાર લોકોના ખોટા નામ આપવા મજબુર કર્યો હતો. 29મી સપ્ટેમ્બર 2008માં મુંબઈથી લગભગ 200 કિમી દૂર ઉત્તર મહારાષ્ટ્રના માલેગાંવની એક મસ્જિદ પાસે બ્લાસ્ટ થયો હતો. મોટરસાઈકલ સાથે બાંધેલા વિસ્ફોટકમાં બ્લાસ્ટ થતા છ લોકોના મોત થયાં હતા. આ ઉપરાંત 100થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં હતા.
આ કેસમાં અન્ય આરોપીઓની સાથે ભાજપના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરનો પણ સમાવેશ થાય છે. એનઆઈએ અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન એટીએસ ઉપર એક સાક્ષીએ ગંભીર આક્ષેપ કર્યાં હતા. તેમજ એટીએસ સમક્ષ આપેલા નિવેદનથી ફરી ગયો હતો. આ અગાઉ 22મી સપ્ટેમ્બરના રોજ પણ એક સાક્ષી પોતાના નિવેદનને ફેરવી તોળ્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં વિશેષ અદાલતમાં 218 સાક્ષીઓની ઉલટતપાસ કરવામાં આવી છે. જેમાં 14 સાક્ષીઓએ નિવેદન ફેરવી તોડ્યું હતું.