
બાસમતી ચોખામાં પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળની ફરિયાદ મળતા રાજકોટમાં અનેક એજન્સી-દુકાનોમાં દરોડા
રાજકોટઃ તેલ, અનાજ, મસાલા સહિતની રોજબરોજની ચીજવસ્તુઓમાં થતી ભેળસેળથી લોક આરોગ્યને મોટુ નુકસાન થતું હોય છે, તંત્ર દ્વારા કરવામાં આવતી કડક કાર્યવાહી છતાં લોકોના આરોગ્ય સાથે ચેડા બંધ થતા નથી તે હકીકત છે. રાજય સરકારની સીધી સુચનાથી જુદા જુદા ખાદ્ય પદાર્થના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડીને ચેકીંગની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે નવા હુકમ હેઠળ રાજકોટમાં બાસમતી ચોખાના મોટા વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. બાસમતી ચોખામાં પ્લાસ્ટીકના ચોખાની ભેળસેળની શંકાથી આ ચેકીંગ ડ્રાઇવ હાથ ધરાતા અનાજના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
રાજય સરકારના ફૂડ સેફટી ડિપાર્ટમેન્ટને રાજકોટ સહિતના શહેરો અને જિલ્લામાં બાસમતી રાઇસમાં પ્લાસ્ટીકના ચોખાની ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરીયાદો મળી છે. તેના આધારે દરેક જિલ્લા અને મહાનગરોમાં ચેકીંગની સુચના મોકલતા મનપાની ફૂડ શાખા દ્વારા ચોખાના જુદા જુદા વિતરકોને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી છે. જે હેઠળ સાત પેઢીમાંથી કુલ આઠ સેમ્પલ લઇને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. 1 થી ર0 કિલોના પેકીંગમાં આ ચોખા હોવાથી તેના નમુના હવે લેબોરેટરીમાં ચકાસવામાં આવશે. તેમાં જો શંકા મુજબની ભેળસેળ મળશે તો રાજય સરકારના ફૂડ એન્ડ સેફટી સ્ટાન્ડર્ડ ર006 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમ અધિકારીઓએ કહ્યું હતું. ફૂડ તંત્ર દ્વારા સરકારની સૂચનાથી મસ્ટર્ડ (રાયડા) તેલના સેમ્પલ લેવા પણ કાર્યવાહી કરવામાં આવી છે.આ રીતે સરકારના ફૂડ વિભાગે ખાદ્ય તેલ અને રાયડા તેલમાં થતી ભેળસેળ રોકવા અને જો કોઇએ ભેળસેળ કરી હોય તો કડક પગલા લેવા આદેશો કરતા તમામ શહેરોમાં આ પ્રકારનું ચેકીંગ ચાલુ થયાનું જાણવા મળ્યું છે.