1. Home
  2. revoinews
  3. ભૂતપૂર્વ ધારાસભ્ય સહિત ભાજપના અનેક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા
ભૂતપૂર્વ ધારાસભ્ય સહિત ભાજપના અનેક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા

ભૂતપૂર્વ ધારાસભ્ય સહિત ભાજપના અનેક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા

0
Social Share

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર અને ખેડા જિલ્લાના મજબૂત ઓબીસી સમાજના આગેવાન શ્રી ભારતસિંહ પરમાર તથા કાર્યકર્તાઓ ભાજપ છોડી કોંગ્રેસ પક્ષમાં જોડાયા

અમદાવાદ, 23 ફેબ્રુઆરી, 2026 – Several BJP leaders join Congress આજરોજ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર અને ખેડા જિલ્લાના મજબૂત ઓબીસી તથા ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી ભારતસિંહ પરમાર આજે ઔપચારિક રીતે ભાજપ છોડી કોંગ્રેસ પક્ષમાં જોડાયા. આ પ્રસંગે મધ્ય ગુજરાતના મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે અમિત ચાવડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે છેલ્લા થોડા સમયથી ભારતીય જનતા પાર્ટીમાંથી કાર્યકરો અને આગેવાનો સતત કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. વર્ષો સુધી જાહેર જીવનમાં રહી લોકો માટે કાર્ય કરનાર નેતાઓ આજે ફરી કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકી જોડાઈ રહ્યા છે. તેમણે શ્રી ભારતસિંહભાઈ પરમારના જાહેર જીવનના લાંબા અને અનુભવી કાર્યકાળનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેઓ કાર્યકરથી લઈ સંગઠનના મહત્વપૂર્ણ પદો સુધી સક્રિય રહ્યા છે. સહકારી ક્ષેત્ર હોય, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ હોય કે તાલુકા પંચાયત, દરેક ક્ષેત્રમાં તેમણે નોંધપાત્ર કામગીરી કરી છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી છે. વર્ષ 2017માં મહુધા વિધાનસભાની ચૂંટણી ભાજપમાંથી લડી અને થોડો સમય ભાજપમાં સક્રિય રહ્યા, પરંતુ મૂળ વિચારધારાની પ્રેરણાથી આજે ફરી કોંગ્રેસમાં જોડાયા છે.

Several BJP leaders join Congress
Several BJP leaders join Congress

શ્રી અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે જે લોકો ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવાની ભાવના સાથે જાહેર જીવનમાં આવે છે, તેઓને ભાજપમાં કામ કરતી વખતે ઘણીવાર મર્યાદાઓનો સામનો કરવો પડે છે. એવા ઘણા આગેવાનોને ત્યાં ગૂંગળામણ અનુભવાય છે અને તેમના વિચારોને યોગ્ય સ્થાન મળતું નથી. ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં લોકો ભાજપનો સાથ છોડીને કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, જે જનમાનસમાં ઊભરતી અસંતોષની લાગણી દર્શાવે છે. લોકોમાં હવે એવી ભાવના મજબૂત બની રહી છે કે સરકાર સામાન્ય અને ગરીબ વર્ગના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ નથી.

તેમણે ગરીબોના મકાનો પર બુલડોઝર ચલાવવાના બનાવો અને સહકારી ક્ષેત્રમાં વધતા ભ્રષ્ટાચારનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ જ યોગ્ય મંચ છે. ભારતસિંહભાઈ પરમારે પણ પોતાના સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું કે વર્ષો પહેલા જે મૂલ્યો અને વિચારધારાથી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા, તે જ ભાવનાને ધ્યાનમાં રાખીને તેઓ ફરી કોંગ્રેસ પરિવારનો ભાગ બન્યા છે. ગરીબો, ખેડૂતો અને સામાન્ય લોકો માટે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતા અવિચળ છે.

કાર્યક્રમના અંતે અમિત ચાવડાએ જણાવ્યું કે ભલે અગાઉ રાજકીય રીતે સામસામે લડ્યા હોય, પરંતુ હવે રાજ્યના હિત અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે બધા આગેવાનો એક મંચ પર આવી એકતા સાથે કાર્ય કરશે. શ્રી ભારતસિંહ પરમાર સાથે જોડાયેલા તમામ આગેવાનો અને કાર્યકરોનું કોંગ્રેસ પરિવારમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આવનારા સમયમાં સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો છે.

પચાસથી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા બાદ ભારતસિંહ પરમારએ જણાવ્યું કે તેમણે હંમેશા ભારતીય સંવિધાનનું સન્માન કર્યું છે અને કોંગ્રેસની વિચારધારાએ દેશના સંવિધાન અને લોકશાહી મૂલ્યોનું રક્ષણ કર્યું છે. આઝાદી પહેલાં અને બાદમાં કોંગ્રેસે સેવા, સમર્પણ અને ત્યાગની ભાવનાથી દેશ માટે લડત આપી છે.

તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહીનો અવાજ દબાઈ રહ્યો છે અને સામાન્ય નાગરિકને ન્યાય મળવામાં મુશ્કેલી પડે છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે જે લોકશાહી મૂલ્યો માટે સંઘર્ષ કર્યો, તે મૂલ્યોને બચાવવા કોંગ્રેસ જ યોગ્ય મંચ છે, એવો મારો સંપૂર્ણ વિશ્વાસ છે.

તેમણે તાજેતરની ‘અમૂલ’ ચૂંટણીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સહકારી ક્ષેત્રમાં સત્તાનો દુરુપયોગ કરીને અનેક કાર્યકરોને ચૂંટણી લડવાથી અને મતદાનથી વંચિત રાખવામાં આવ્યા તથા એકએક મત માટે દસ લાખ સુધીનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો, આ અનુભવથી અમોને લાગ્યું કે લોકશાહી નબળી બની રહી છે.

અંતમાં તેમણે સ્વીકાર્યું કે થોડો સમય ભાજપમાં રહ્યા, પરંતુ લોકશાહી અને છેવાડાના માણસના હિત માટે કાર્ય કરવા તેઓ ફરી કોંગ્રેસ સાથે જોડાયા છે. આવનારા દિવસોમાં જીલ્લા કક્ષાએ સેંકડો કાર્યકર્તાઓ કોંગ્રેસ સાથે જોડાશે તેવી પ્રતિબદ્ધતા સાથે કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત ઉપરોક્ત કાર્યક્રમમાં મધ્ય ગુજરાતના આગેવાનશ્રીઓ શ્રી માલસિંહ રાઠોડ, ઉપપ્રમુખ, જી.પી.સી.સી., શ્રી કાળુસિંહ ડાભી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, શ્રી મહેન્દ્રસિંહ રાણા, કાર્યકારી પ્રમુખ, શ્રી બીમલભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય, શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય, શ્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય, શ્રી નટવરસિંહ મહીડા, પ્રભારીશ્રી ખેડા અને પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ, શ્રી સંજયભાઈ પટેલ, પૂર્વ ડીરેક્ટર, અમુલ ડેરી, શ્રીમતી સુધાબેન ચૌહાણ, જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ, શ્રી ગોકુળભાઈ શાહ, પ્રમુખ, એન.એસ.યુ.આઈ., શ્રી નવીન મામા, કન્વીનર, ચૂંટણી સમિતિ, શ્રી ઐયુબખાન પઠાણ, મહામંત્રી, શ્રી દિનેશભાઈ રાઠોડ, મહામંત્રી, શ્રી સુભાષભાઈ આચાર્ય, જીલ્લા પ્રવક્તા સહીત આગેવાનશ્રીઓએ ઉપસ્થિત રહી કોંગ્રેસ વિચારધારામાં જોડાયેલ સૌને આવકાર્ય હતા અને આવનારા ભવિષ્યમાં કોંગ્રેસની લોકશાહી બચાવવાની લડાઈ લડવા અને ખભે ખભા મિલાવી કોંગ્રેસની વિચારધારાને ઘર-ઘર સુધી પહોંચાડવા સંકલ્પબદ્ધ બન્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code