
જયંત ચૌધરીના ભાજપ સાથે જવાથી ભડક્યા શાહિદ સિદ્દીકી, છોડયું આરએલડીનું ઉપાધ્યક્ષ પદ
લખનૌ: લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીને મોટો આંચકો લાગ્યો છે. વોટિંગના કાઉન્ટડાઉન વચ્ચે જયંત ચૌધરીને ભાજપ સાથે જવાથી નારાજ આરએલડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શાહિદ સિદ્દીકીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જયંત ચૌધરીને મોકલેલા રાજીનામામાં સિદ્દીકીએ લખ્યુ છે કે હું ખામોશીથી દેશના લોકતાંત્રિક ઢાંચાને સમાપ્ત થતો જોઈ શકું નહીં.
પૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકીએ કહ્યુ છે કે તેઓ ઈન્દિરા ગાંધીની કટોકટી સામે ઉભા હતા. આજે પણ તેઓ તમામ સંસ્થાઓને કમજોર થતી મૂકદર્શક તરીકે જોઈ શકે નહીં, કે જેમમમે એકજૂટ થઈને ભારતને દુનિયાના મહાન દેશોમાંથી એક બનાવ્યો છે.
શાહિદ સિદ્દીકીએ કહ્યુ છે કે રાષ્ટ્રીય લોકદળને એનડીએનો હિસ્સો બનાવાયા બાદ હું અસમંજસમાં પડી ગયો. મેં આના પર વિચાર કર્યો છે, પરંતુ ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનથી ખુદને જોડી શકવા માટે અસમર્થ છું. તેમણે કહ્યુ છે કે રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીને તેમનું રાજીનામું મોકલી દીધું છે.
આ રાજીનામામાં શાહિદ સિદ્દીકીએ લખ્યુ છે કે આપણે ગત 6 વર્ષો સુધી એકસાથે કામ કર્યું છે. એકબીજાનું આપણે સમ્માન કરીએ છીએ. હું તમને મારા નાના ભાઈ માનું છું. અમે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અને વિભિન્ન સમુદાયો વચ્ચે ભાઈચારા અને સમ્માનનો માહોલ બનાવવા માટે ખભેખભો મિલાવીને ઉભા છીએ. આપણે બંને ધર્મનિરપેક્ષતા અને જે બંધારણીય મૂલ્યોમાં માનીએ છીએ, તેના પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા પર કોઈ શંકા કરી શકે નહીં. તમારા દિવંગત દાદા, ભારતરત્ન ચૌધરી ચરણસિંહજી, તમારા દિવંગત પિતા અજીતસિંહજી અને તમારા સમયથી, તમે બધાં અને હકીકતમાં તમારા દ્વારા બનાવવામાં આવેલી પાર્ટી આ મૂલ્યો માટે ઉભી રહી છે.