પાલનપુરઃ રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 12 ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી અંગે ચર્ચા વિચારણા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાની જેમ યાત્રાધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરાયું છે. જેમાં પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રાળુંઓ ભાગ લઈ શકશે. આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. જેના લીધે આ મહોત્સવમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિકો ઉમટી પડશે. અંદાજીત 5 લાખ જેટલા માઇભક્તો આ પરિક્રમામાં ભાગ લે એવો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, અંબાજી ગબ્બર ખાતે આવેલ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શનથી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ 21 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે. પરિક્રમા મહોત્સવ દરમિયાન યાત્રિકોને મનોરંજન માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. જેથી વિવિધ સમિતિઓના અધિકારીઓને જે કામગીરી સોંપવામાં આવી છે તે ચોકસાઈપૂર્વક થાય તેવું આયોજન કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર રાવલે જણાવ્યું હતું કે, આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં રાજ્ય સરકારની સીધી દેખરેખ રહેશે. જેથી યાત્રાળુઓની તમામ વ્યવસ્થાઓ સચવાય અને એમને એક યાદગાર અનુભવ મળે એ પ્રકારનું આયોજન કરાશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેક્ટર આર. એન. પંડયા, ડી.આર.ડી.એ.ના નિયામક આર.આઈ.શેખ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(Photo-File)