
શશિ થરુર, ડિમ્પલ યાદવ અને સુપ્રિયા સુલે પણ લોકસભામાં થયાં સસ્પેન્ડ, અત્યાર સુધીમાં 141 સાંસદો સામે કાર્યવાહી
નવી દિલ્હીઃ સંસદની સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગણી સાથે વિપક્ષનો લોકસભામાં હંગામો મચાવી રહ્યું છે. લોકસભાના ચેરના અપમાન મામલે કેટલાક સાંસદો આજે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. જેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરુર, સપાના સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેના નામનો સમાવેશ થાય છે. લોકસભામાં આજે 48 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં 141 સાંસદોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 94 સાંસદ લોકસભાના અને 46 સાંસદ રાજ્યસભાના સભ્ય છે. 18મી ડિસેમ્બર સુધીમાં 92 સાંસદો સસ્પેન્ડ હતા.
કોંગ્રેસના નેતા મનીષ તિવારી, કાર્તિ ચિદંબરમ, શશિ થરુર, દાનિશ અલી, સુપ્રિયા સુલે, સપાના સાંસદ એસટી હસન, ટીએમસીના સાંસદ માલા રોય, સપાના નેતા ડિમ્પલ યાદવ અને આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ કુમાર રિંકુ, ફારુક અબ્દુલ્લાને પણ સસ્પેન્ડ કરાયા છે. સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે કોંગ્રેસના સિનિયર નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, મોદી અને સરકારની અંદર અસુરની શક્તિ સવાર થઈ ગઈ છે. તેમનામાં કોઈ દેવ શક્તિ નથી, તેમનું અહંકાર લોકો જોઈ રહ્યાં છે. સત્તામાં રહેવાનો મતલબ એવો નથી કે આપ અહંકારી બની જાવ.
કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરુરએ જણાવ્યું હતું કે, આટલા સાંસદોને સસ્પેન્ડ મામલાથી એક વાત સ્પષ્ટ થઈ છે કે તેઓ વિપક્ષ મુક્ત લોકસભા ઈચ્છે છે અને રાજ્યસભામાં પણ આવું જ કરશે. આ જોઈને આપણે ભારતની સંસદીય લોકતંત્ર માટે શ્રદ્ધાંજલિ લખવાની શરુઆત કરવી જોઈએ. અમારા સહયોગિયો સાથે એકતા દર્શાવવા માટે હું પણ આજે પ્રદર્શનમાં જોડાયો હતો. તેમને બચેલા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. એટલે કે ચર્ચા વગર પોતાના કોઈ પણ બિલ પાસ કરાવી શકે છે. મને લાગે છે કે આ સંસદીય લોકતંત્ર સાથે વિશ્વાસઘાત છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, જે મોઢે તેઓ સંસદને લોકતંત્રનું મંદિર કહી રહ્યાં છે, તે રીતે તેમણે વિપક્ષ સાથે વર્તન કરવું જોઈએ. આગામી વખતે તેઓ આવશે તો સંવિધાનને ખતમ કરી નાખશે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, હાલની ચૂંટણીમાં પરાજયથી વિપક્ષ હતાશ છે અને સંસદમાં દેશની જનતાનું અપમાન કરી રહ્યાં છે. જો તેમનું આવો જ વ્યવહાર રહેશે તો આગામી ચૂંટણીમાં પણ તેઓ પરત નહીં આવી શકે. સ્પીકરે નક્કી કર્યું છે કે, તેઓ સમગ્ર સત્ર દરમિયાન સદનમાં આવી શકશે નહીં.