- શેત્રુંજી ડેમમાંથી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા,
- ડેમમા 1800 ક્યુસેક પાણીની આવક,
- પાલિતાનો ખારો ડેમ અને તળાજાનો પીંગળી ડેમ છલકાયો
ભાવનગરઃ ગોહિલવાડમાં આ વર્ષે સારોએવો વરસાદ પડ્યો છે. ગઈ તા. 15 જૂનથી ભાવનગર જિલ્લામાં ચોમાસાના પ્રારંભથીજ મેઘરાજાએ મન મૂકીને વરસતા ભાવનગર જિલ્લાને તરબોળ કરી દીધો છે. આજે સતત ઉપરવાસના વરસાદી નીરની આવકથી સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ 27 દિવસમાં ત્રીજી વખત છલકાયો હતો. રવિવારે રાતના 9 કલાકે શેત્રૂંજી ડેમ પુન: ઓરવફ્લો થતાં ડેમના 20 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસથી ડેમમાં 1800 ક્યૂસેક પાણીની આવક શરૂ હતી. આથી 1800 ક્યૂસેક પાણીની આવક જાવક શરુ થઇ ગઇ હતી. આ સિઝનમાં હેટ્રિક સર્જીને ત્રીજી વખત અને સતત છઠ્ઠા વર્ષે શેત્રુ઼જી ડેમ ઓવરફ્લો થયો છે.
ભાવનગર જિલ્લામાં 15મી જુનથી મેઘારાજાનું વાજતે ગાજતે આગમન થયું હતું અને છેલ્લા 27 દિવસથી સમયાંતરે વરસાદના ભારે ઝાપટાં પડી રહ્યા છે. તેમજ શેત્રૂંજી નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદને લીધે શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી રહી છે. આ ચોમાસામાં પ્રથમ વખત ગત તા. 17 જૂને પાણીની આવક શરૂ થતા માત્ર 25 કલાકમાં ડેમ ઓવર ફ્લો થઈ ગયો હતો. શેત્રુંજી ડેમના ઇતિહાસમાં ચોમાસુ શરૂ થયાના બે જ દિવસમાં માત્ર 25 કલાકમાં ઓવરફ્લો થયાની પ્રથમ ઘટના થઇ હતી. બાદમાં બીજી વાર આ માસમાં ગત તા.6 જુલાઇએ ડેમના તમામ દરવાજા ખોલાયા હતા. ત્યારબાદ ગઈકાલે રવિવારે રાતે ત્રીજીવાર ડેમ ઓવરફ્લો થયો હતો. શેત્રુંજી ડેમના દરવાજા ખોલતા પાલિતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા.
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ છલકાયો તો તેની સામે આજે જિલ્લામાં અન્ય ચાર ડેમ પણ છલકાયા છે. જેમાં પાલિતાણાનો ખારો ડેમ છલાકાયો છે તેમાં 504 ક્યૂસેક પાણીની આવનજાવન છે, તળાજાનો પીંગળી ડેમ છલકાયેલો છે તેમાં 52 ક્યૂસેક પાણીની આવનજાવન છે, મહુવામાં બગડ ડેમમાં 2114 ક્યૂસેક પાણી અને રોજકી ડેમમાં 183 504 ક્યૂસેક પાણીની આવનજાવન રાત્રે હતી તેમ જળાશય વિભાગે જણાવ્યું હતુ.