સંસદીય સમિતિનો ચોંકાવનારો અહેવાલ: દેશની 50 ટકા કમર્શિયલ ફ્લાઇટ્સમાં ટેકનિકલ ખામી
નવી દિલ્હી, 27 માર્ચ 2026: ભારતમાં હવાઈ મુસાફરી કરતા મુસાફરો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સંસદીય સમિતિના તાજેતરના અહેવાલમાં મોટો ખુલાસો થયો છે કે દેશની 50 ટકા જેટલી કમર્શિયલ ફ્લાઇટ્સમાં ટેકનિકલ ખામીઓ છે. ગયા વર્ષે કરવામાં આવેલા ઓડિટમાં પેનલને જાણવા મળ્યું હતું કે 754 કમર્શિયલ ફ્લાઈટ્સમાંથી 377 વિમાનોમાં વારંવાર ટેકનિકલ ખામીઓ જોવા મળી હતી. આ આંકડાઓ મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
પેનલના રિપોર્ટ અનુસાર, સૌથી વધુ ઓડિટ ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટ્સનું કરવામાં આવ્યું હતું અને ટેકનિકલ ખામીઓ ધરાવતા વિમાનોની યાદીમાં પણ ઈન્ડિગોની ફ્લાઈટ્સ સૌથી ઉપર છે. 3 ફેબ્રુઆરી સુધીમાં ઈન્ડિગોની 405 ફ્લાઈટ્સનું ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાંથી 148માં ટેકનિકલ ખામીઓ જોવા મળી હતી.
આ મામલે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ જેવી દિગ્ગજ એરલાઈન્સ પણ પાછળ નથી. એર ઈન્ડિયાની 166 ફ્લાઈટ્સનું ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાંથી 137 ફ્લાઇટ્સમાં વારંવાર ટેકનિકલ ખામીની સમસ્યા જોવા મળી હતી. જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસની 101માંથી 54 ફ્લાઈટ્સમાં ટેકનિકલ ખામીઓ હોવાનું સામે આવ્યું હતું.
ગયા વર્ષે 12 જૂનના રોજ અમદાવાદમાં બનેલી એર ઈન્ડિયાની ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા 1 થી 4 જુલાઈ, 2025ની વચ્ચે જે ફ્લાઈટ્સનું ઓડિટ કરવામાં આવ્યું હતું તેનો પણ આ રિપોર્ટમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, બોઈંગ 787 અને 777 ફ્લાઈટ્સના પાઈલટોની ટ્રેનિંગમાં વારંવાર ખામીઓ જોવા મળી છે. ઓછામાં ઓછી ચાર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ એવી હતી જેમાં પૂરતા કેબિન ક્રૂ (સ્ટાફ) ન હતા. ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશનના ઉલ્લંઘન અંગે પણ રિપોર્ટમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
પેનલે એરલાઈન્સ સામે લેવાયેલા શિક્ષાત્મક પગલાંઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. જેમાં એર ઈન્ડિયાને સુરક્ષા નિયમોના ભંગ બદલ ડીજીસીએ તરફથી ફટકારવામાં આવેલી 9 ‘કારણ દર્શાવો’ નોટિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 2025ના અંત સુધીમાં વિવિધ એરલાઈન્સને કુલ 19 નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ ફ્લાઇટ ડ્યુટીના નિયમોનું ઉલ્લંઘન કરવા, કોકપિટમાં અનધિકૃત પ્રવેશ કરવા અને એક્સપાયર થઈ ગયેલા ઈમરજન્સી ઈક્વિપમેન્ટ સાથે વિમાનોના ઉપયોગ કરવા જેવી ગંભીર બેદરકારીઓ બદલ આપવામાં આવી છે.
રિપોર્ટમાં માત્ર એરલાઇન્સ જ નહીં, પરંતુ રેગ્યુલેટરી બોડી ડીજીસીએની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જીડીસીએમાં 48.3 ટકા પદો ખાલી પડેલા છે. સ્ટાફની આટલી મોટી અછતને કારણે ઝડપથી વિકસતા એવિએશન સેક્ટર પર અસરકારક રીતે દેખરેખ રાખવાની રેગ્યુલેટરની ક્ષમતા પર સીધા સવાલો ઊભા થાય છે.
રિપોર્ટના અંતમાં આ તમામ ખામીઓ તરફ ધ્યાન દોરીને તાત્કાલિક સુધારાની ભલામણ કરવામાં આવી છે. સંસદીય પેનલે વ્યવસ્થાગત ખામીઓને દૂર કરવા, મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક અમલવારી, વધુ સારી મોનિટરિંગ સિસ્ટમ અને ડીજીસીએની સંસ્થાકીય ક્ષમતામાં સુધારો કરવાની મજબૂત માંગ કરી છે.
આ પણ વાંચોઃ ડ્રોનને હેકિંગ અને સાયબર હુમલાથી બચાવવા સંરક્ષણ મંત્રાલયે જાહેર કર્યું નવું ટેસ્ટિંગ ફ્રેમવર્ક


