Site icon Revoi.in

ધો. 1થી 12ના અંગ્રેજી માધ્યમના 20 પુસ્તકો અને ગુજરાતીના 16 વિષયોના પુસ્તકોની અછત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં 9મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થતાં પહેલા જ વિદ્યાર્થીઓ પાઠ્ય પુસ્તકો ખરીદી રહ્યા છે. ત્યારે ધોરણ 1થી 12ના અંગ્રેજી માધ્યમના વિવિધ વિષયોના 20 જેટલાં પુસ્તકો તેમજ ધોરણ 1થી 9ના ગુજરાતી માધ્યમના 16 જેટલાં વિષયોના પુસ્તકોની અછતને લીધે વાલીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. બુક સ્ટોરમાં પુસ્તકો પૂરતી માત્રામાં ન હોવાથી ખાનગી શાળાના વિદ્યાર્થીઓને પુસ્તકો મળતા નથી.

રાજ્યમાં દર વર્ષે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા નવા પુસ્તકો માર્કેટમાં આવી જાય છે. પણ આ વર્ષે  કેટલાક વિષયોના પુસ્તકો ઉપલબ્ધ ઓછા હોવાથી વિદ્યાર્થીઓ બુક સ્ટોરમાં આટાં ફેરા મારી રહ્યા છે. બુક સ્ટોરમાં પુસ્તકો પૂરતી માત્રામાં ન હોવાથી ખાનગી શાળાના વિદ્યાર્થીઓને પુસ્તકો મળતા નથી. ખાસ કરીને વડોદરા શહેરમાં વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો મળતા ન હોવાની ફરિયાદો ઊઠી છે. સામાન્ય રીતે બજારમાં ઉપલબ્ધ થતા પુસ્તકો ગત મે મહિનાથી મળતા નથી. જ્યારે ધો. 1થી 9માં ગુજરાતી માધ્યમના કુલ 51 વિષયમાંથી 70 ટકા જ વિષયનાં પુસ્તકો જ ઉપલબ્ધ હોવાથી 16 વિષયનાં પુસ્તક ઉપલબ્ધ નથી.

આ ઉપરાંત  અંગ્રેજી માધ્યમમાં 40 વિષયમાંથી 20 વિષયનાં જ પુસ્તકો ઉપલબ્ધ હોવાથી 20 વિષયનાં પુસ્તકો મળતા નથી. એટલે કે ગુજરાતી માધ્યમમાં ધો 6 અને 8નું સંસ્કૃત, ધો 7નું અંગ્રેજી તેમજ અંગ્રેજી માધ્યમનાં ધો 4નું ગણિત, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી, ધો 6માં વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાનના પુસ્તકોની અછત વર્તાઇ રહી છે.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી પાઠયપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ધો. 1, 6થી 8 અને 12નાં પુસ્તકો નવાં તૈયાર કરવામાં આવ્યાં છે. ધો. 1માં ગુજરાતી, ધો. 6માં અંગ્રેજી, ધો. 8માં ગુજરાતી વિષયનાં પુસ્તક બદલવામાં આવ્યા છે. બુક સેલર્સ ફેડરેશનના સભ્યોના કહેવા મુજબ વિદ્યાર્થીઓ એપ્રિલ મહિનાથી જ પુસ્તકો લેવા માટે આવતા હોઈ છે. ત્યારે પુસ્તકો ન હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

Exit mobile version