
નવી દિલ્હીઃ આગ્રામાં તાજમહેલને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વકરી રહ્યો છે અને આ વિવાદમાં હવે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મબેબૂબા મુફતીએ ઝુકાવ્યું છે અને ભાજપ સરકાર અને હિન્દુ સંગઠનોને ગર્ભીત ધમકી આપતા કહ્યું કે, જો તમારામાં હિંમત હોય તો તાજમહેલને મંદિર બનાવીને બતાવો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેબુબા મુફતીએ ભાજપ સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવી હતી. જો કે, આ ગઠબંધન લાંબુ નહીં ચાલતા સરકાર પડી ભાગી હતી.
પૂર્વ સીએમએ સરકાર પર આરોપ લગાવ્યો કે લોકોનું ધ્યાન ભટકાવવા માટે જ આવા તમામ વિવાદો ઉભા કરવામાં આવી રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે તેમને મુસ્લિમોની પાછળ લગાવ્યા છે. દેશના પૈસા લૂંટીને વિદેશ ભાગી ગયેલા લોકોને પકડવાને બદલે તેઓ મુઘલો દ્વારા બાંધવામાં આવેલી દરેક જગ્યાનો વિરોધ કરવા માગે છે.
બીજેપી નેતા રજનીશે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે, તાજમહેલ વાસ્તવમાં તેજો મહેલ છે. તેમણે તાજમહેલના ભોંયરાના 22 રૂમ ખોલવાની માંગ કરી છે. પત્રકારો સાથે વાત કરતા મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે જો તેમની પાસે હિંમત હોય તો તાજમહેલ, લાલ કિલ્લાને મંદિર બનાવી જોએ, પછી જોઈએ કે, દુનિયાના કેટલાક લોકો આ દેશના પ્રવાસે આવે છે. તેમણે વધુમાં કહ્યું કે જે વસ્તુઓ મુઘલોના સમયમાં રહી ગઈ હતી જેમ કે તાજમહેલ, મસ્જિદ, કિલ્લાઓ, તેઓ તેને બગાડવા માંગે છે, તેનાથી કંઈ પ્રાપ્ત થશે નહીં.
પીડીપીના વડાએ ભારપૂર્વક કહ્યું છે કે, ભાજપ સરકાર પાસે લોકોને આપવા માટે કંઈ નથી. બેરોજગારી, મોંઘવારી બધું જ વધી રહ્યું છે. દેશની સંપત્તિ વેચાઈ રહી છે. આપણો દેશ હવે ગરીબીની બાબતમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળ કરતાં પણ પાછળ રહી ગયો છે.