Site icon Revoi.in

અમેરિકામાં ફરી શટડાઉન : સાત વર્ષ બાદ ફંડિંગના અભાવે સરકારનું કામકાજ ઠપ

Social Share

અમેરિકામાં ફરી એકવાર સરકારી શટડાઉન લાગુ થઈ ગયું છે. સાત વર્ષમાં પહેલીવાર આવી સ્થિતિ ઊભી થઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષે સેનેટમાં કામચલાઉ ફન્ડિંગ બિલ પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જરૂરી 60 મતોની બદલે ફક્ત 55 મત મળતા પ્રસ્તાવ અટવાઈ ગયો. પરિણામે સંઘીય સરકારનું કામકાજ બુધવારથી ખોરવાઈ ગયું છે.

શટડાઉનને કારણે બિનજરૂરી સરકારી વિભાગોમાં કામગીરી બંધ રહેશે. અંદાજે 7.5 લાખ સરકારી કર્મચારીઓને અસ્થાયી રીતે રજા પર મોકલવામાં આવશે, જ્યારે સૈન્ય અને જરૂરી સેવાઓના કર્મચારીઓએ પગાર વિના ફરજ બજાવવી પડશે. કર્મચારીઓને પગાર ત્યારે જ મળી શકશે જ્યારે સાંસદો સ્ટોપગેપ ફન્ડિંગને મંજૂરી આપશે.

અમેરિકામાં છેલ્લા બે દાયકામાં આ પાંચમો મોટો શટડાઉન છે. 2018માં ટ્રમ્પના જૂના કાર્યકાળ દરમિયાન શટડાઉન 34 દિવસ ચાલ્યું હતું. આ વખતે પરિસ્થિતિ વધુ ગંભીર માનવામાં આવે છે. ટ્રમ્પ પહેલેથી જ લાખો કર્મચારીઓની છટણી અને કેટલાક મુખ્ય પ્રોજેક્ટ્સને અટકાવવાના સંકેત આપી ચૂક્યા છે.

ડેમોક્રેટ્સે ટૂંકા ગાળાના ફન્ડિંગ બિલને અટકાવી દીધું છે. તેમનું કહેવું છે કે ટ્રમ્પના ઉનાળાના મેગા-બિલમાં મેડિકેડ કાપને ઉલટાવવું પડશે અને એફોર્ડેબલ કેર એક્ટ હેઠળના મુખ્ય ટેક્સ ક્રેડિટ્સનો વિસ્તાર કરવો જરૂરી છે. બીજી બાજુ, રિપબ્લિકન્સ આ માગણી સ્વીકારવા તૈયાર નથી. બંને પક્ષ પીછેહઠ કરવા તૈયાર ન હોવાથી રાજકીય સંકટ ઊભું થયું છે.

સરકાર પાસે હવે જરૂરી ફન્ડિંગનું વિસ્તરણ ન હોવાથી અનેક સરકારી સેવાઓ ઠપ થઈ ગઈ છે. કાયદા મુજબ, જ્યાં સુધી બજેટ કે કામચલાઉ ફન્ડિંગ બિલ પાસ નહીં થાય ત્યાં સુધી બિનજરૂરી સરકારી વિભાગો બંધ રાખવા પડે છે. આ શટડાઉનનો સીધો પ્રભાવ સામાન્ય અમેરિકન નાગરિકો તેમજ સરકારી કર્મચારીઓના જીવન પર જોવા મળશે.