ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 : Significant improvement in soil productivity observed through natural farming રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને લોકભવન ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ ગતિશીલ બનાવવા માટે વિવિધ વ્યૂહાત્મક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અભિયાનને સાચા અર્થમાં સફળ બનાવવા માટે કૃષિ વિભાગ અને ખેડૂતોએ મિશન મોડમાં કાર્ય કરવું અનિવાર્ય છે. તેમણે કહ્યું કે પ્રાકૃતિક કૃષિ જનસ્વાસ્થ્ય, પર્યાવરણ સંરક્ષણ અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય સાથે જોડાયેલું એક પવિત્ર કાર્ય છે.
રાજ્યપાલએ જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ અને પશુપાલન એકબીજાના પૂરક છે. સ્વસ્થ પશુધન પ્રાકૃતિક કૃષિને મજબૂત બનાવે છે અને પ્રાકૃતિક આહારથી પશુઓનું આરોગ્ય તેમજ દૂધની ગુણવત્તામાં વધારો થાય છે. તેમણે પોતાના વ્યક્તિગત અનુભવનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું કે પ્રાકૃતિક કૃષિ અપનાવ્યા બાદ તેમના ખેતરની જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 0.2 ટકાથી વધીને 1.7 ટકા સુધી થયું છે. જેના પરિણામે જમીનની ઉત્પાદન ક્ષમતા, પાણી ધારણ કરવાની શક્તિ અને ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. આ ઉપરાંત યુરિયા અને ડી.એ.પી.ના સ્થાને જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી ખેતીમાં નહીવત ખર્ચ થતો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના ગુણવત્તાના માપદંડો નક્કી કરવા ખૂબ જરૂરી છે. ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ માટે અમુલ, ઇફફકો તેમજ ગુજકોમાસોલ જેવી સંસ્થાઓની પણ મદદ લઈ શકાય છે. તેમણે પોતાના ખેતરમાં કરેલી પ્રાકૃતિક કૃષિના અનુભવો વર્ણવતા ઉમેર્યું કે જ્યારે પ્રાકૃતિક કૃષિ શરૂ કરી ત્યારે જમીનનો ઓર્ગેનિક કાર્બન 0.2 થી 0.4 ટકા હતો જે આજે 1 ટકાથી વધુ છે. પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત થયેલ ખારેકમાં વિટામીન B12, D3 સહિતના અનેક પોષક તત્વો મળી આવ્યા છે.
આ તકે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતું બનાવવા માટે પ્રાકૃતિક કૃષિને અનુરૂપ તથા વધુ ઉત્પાદન આપી શકે તેવા દેશી બિયારણો પર સંશોધનોની વધુ જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે રાજ્યની તમામ યુનિવર્સિટીઓને વધુ ઉન્નત બિયારણ તૈયાર કરવા તેમજ વધુ પ્રાકૃતિક મોડલ ફાર્મ તૈયાર કરવા સૂચન કર્યુ હતુ..

