1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકારના સ્વચ્છતા અભિયાનમાં બહેનોએ સહભાગી બનવું જોઈએઃ રાજમાતા શુભાંગીનીદેવી
સરકારના સ્વચ્છતા અભિયાનમાં બહેનોએ સહભાગી બનવું જોઈએઃ રાજમાતા શુભાંગીનીદેવી

સરકારના સ્વચ્છતા અભિયાનમાં બહેનોએ સહભાગી બનવું જોઈએઃ રાજમાતા શુભાંગીનીદેવી

0
Social Share

વડોદરા : ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા રવિવારે  માંજલપુરના આત્મીય ધામમાં વિશાળ નારી સંમેલન યોજાયું હતું. જેમાં વડોદરા મહાનગર – જિલ્લો, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લાની 1700 થી વધુ બહેનોએ ભાગ લીધો. સવારે 9 થી બપોરે 2 સુધીના આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રનાં મહિલા અગ્રણીઓએ ભારતીય સંસ્કૃતિમાં નારીના મહત્વને અને યોગદાનને પ્રસ્થાપિત કરતા પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમના અધ્યક્ષ રાજમાતા શુભાંગીનીદેવી અને અન્ય મંચસ્થ આમંત્રિતો દ્વારા દીપપ્રાગટ્ય થયા બાદ શ્રીમંત રાજમાતાએ આશીર્વચનમાં પોતે ગ્વાલિયરમાં ઝાંસીની રાણીની કથાઓ સાંભળીને જ મોટા થયાં કહી પોતાનાં બાળપણનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. શ્રીમંત મહારાજા સયાજીરાવે નારીના હક્કો માટે ઘણા કાયદા બનાવ્યા હતા અને મહારાણી ચિમનાબાઈએ Status of women in India નામે આજથી 100વર્ષ પહેલાં પુસ્તક લખ્યું હતું જે વાતો યાદ કરી આપણી સરકાર સ્વચ્છતા માટે જે પ્રયત્નો કરે છે તેમાં બહેનોએ સહભાગ કરી દેશને આગળ લાવવામાં સહાયભૂત થવા પર ભાર મૂક્યો હતો. અહીં Her health guide અને વિશ્વસ્ય ધારિણી નામે બે પુસ્તકોનું વિમોચન કરાયું હતું.

ઉદ્ઘાટન સત્રનાં મુખ્ય વક્તા તરીકે ‘ભારતીય સ્ત્રીશક્તિ’નાં અધ્યક્ષ શ્રીમતી શૈલજાતાઈ અંધારેએ ‘ભારતીય ચિંતનમાં મહિલા’ વિષયને ધ્યાનમાં રાખતાં કહ્યું કે પશ્ચિમી વિચારધારાનું અનુકરણ કરવા કરતાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવ કરવું જોઈએ. ભારતીય ચિંતનમાં વૈદિકકાળમાં ગાર્ગી, મૈત્રેયી જેવી ઋષિકાઓ વિવિધ વિષય પર ચર્ચા કરતી તે વાત કરી રામાયણ, મહાભારતકાળની સ્ત્રીશક્તિએ કરેલ મહાન કાર્યોનું સ્મરણ કરાવ્યું હતું. ભારતીય ચિંતનમાં કર્તવ્યબોધની સંકલ્પના છે, અધિકારની નહિ માટે સ્ત્રીઓએ માતૃધર્મ નિભાવી સમાજનું હૃદય બની સતત કાર્યશીલ રહેવા પ્રેરણા આપી બહેનોના આત્મવિશ્વાસમાં વધારો કર્યો હતો.

ફેકલ્ટી ઓફ આર્ટસ , એમ.એસ. યુનિવર્સિટીના ડીન ડૉ. આદ્યા સકસેના અને રાષ્ટ્ર સેવિકા સમિતિનાં શ્રીમતી અદિતિ કટ્યારે એ ‘સ્થાનીય મહિલાઓની સમસ્યા અને સમાધાન’ વિષય પરના ચર્ચાસત્રનું સંચાલન કર્યું હતું જેમાં ઘણી બહેનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. મહિલા સુરક્ષા સમિતિનાં અધ્યક્ષ શોભના રાવલે બેનોને સ્વરક્ષા માટે જાગૃત થવા પ્રેરિત કરી હતી.

‘ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકા’ વિશે ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાયે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે માતા બાળકની મિત્ર બનીને રહે તો બાળક સહજતા અનુભવે. મહિલાઓના સર્વાંગી વિકાસની વાત સાથે એમને બહેનોને એક સૂત્ર આપ્યું: બહેનો, પેન પકડો; સમસ્યાને વાચા અને સમાધાન સાચા. ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી મહિલાઓની સમસ્યાઓ અંગે સંશોધન કરનારને વિશેષ ગ્રાન્ટ આપે છે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કોઈપણ સ્વરૂપે બહેનો પરિવર્તન લાવી શકે છે એ વાત પર વજન મૂકી રાષ્ટ્રીય શિક્ષાનીતિથી દેશના વિકાસની પણ વાત કરી હતી.

કાર્યક્રમની પ્રદર્શનીમાં ભારતનાં ઐતિહાસિક નારીપાત્રોનાં સુંદર ચિત્રો મુકાયાં હતાં જે સૌને પ્રેરણાદાયી બની રહ્યાં. અહીં બહેનો દ્વારા ઉત્પાદિત ગૌસંવર્ધિત વસ્તુઓ, હસ્તકલાના નમુનાના વેચાણ સાથે સામાજિક તેમજ રાષ્ટ્રીય વિષયોને સ્પર્શતા પુસ્તકોનાં પણ વેચાણકેન્દ્ર રખાયાં હતાં. કાર્યક્રમમાં નૃત્ય, ગીત, તલવારબાજી, દંડચાલન પ્રાત્યક્ષિક સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રદર્શિત કરાયો હતો તેમજ નારીશક્તિ પુરસ્કાર પ્રાપ્ત મહિલાઓનું સન્માન પણ કરાયું હતું.

વડોદરા વિભાગ મહિલા સમન્વયનાં સંયોજક ડૉ. નીલા ડોંગરે અને સહ સંયોજક ધરા પંડ્યાના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓની ત્રીસેક બહેનોએ ત્રણેક મહિનાની મહેનતથી બેઠકો , રૂબરૂ સંપર્ક, પ્રવાસ આદિ દ્વારા કાર્યક્રમને સુપેરે પાર પાડ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code