Site icon Revoi.in

રક્ષાબંધન પર્વ પહેલા છેલ્લી ઘડીએ બજારોમાં રાખડીઓ ખરીદવા બહેનોની ભીડ જામી

Social Share

અમદાવાદઃ ગુજરાતભરમાં આવતી કાલે શનિવારે રક્ષાબંધનનું પર્વ ભારે ઉત્સાહથી ઊજવાશે, કાલે શનિવારે રક્ષાબંધન બહેનો પોતાના ભાઈને રક્ષા બાંધશે. રક્ષાબંધનના પર્વ લઈને આજે શુક્રવારે અમદાવાદ સહિત તમામ શહેરોની બજારોમાં છેલ્લી ઘડીએ રાખડીની ખરીદી માટે બહેનોનો ઘસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરની બજારોમાં રક્ષાબંધન પર્વ માટેની રાખડીઓ, રક્ષાસૂત્રની ખરીદી કરવા દુકાનો-લારીઓમાં ઘસારો જોવા મળી રહ્યો છે. શહેરના માણેકચોક, ત્રણ દરવાજા, સીજીરોડ, સહિત વિવિધ બજારોમાં બહેનો દ્વારા પોતાના ભાઈની રક્ષા માટે રાખડીયો લેવા માટે રાખડીઓની દુકાનો-લારીઓમાં ભીડ જોવા મળી રહી છે.

આ વખતે બજારમાં રાખડીઓની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે. જેમાં ભાઈ-ભાભી, ડાયમંડવાળી રાખડી, સાદી રાખડીઓ, ડિઝાઇનેબલ, સુતર, રુદ્રાક્ષ, સુખડ, ચાંદીની રાખડી તેમજ ફોટા વાળી રાખડીઓનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. તો બાળકો માટે છોટાભીમ, સ્પાઈડરમેન, ડોરીમેન, લિટ્લ ક્રિષ્ણા, માયફ્રેન્ડ ગણેશા, લાઈટ અને મ્યુઝિકવાળી સહિતની રાખડીઓની પણ બજારમાં સારી માંગ છે. હાલ બજારમાં રૂ.10થી માંડી રૂ.500 સુધીની કિંમત સુધીની વિવિધ જાતની રાખડીઓ ઉપલબ્ધ હોવાનું રાખડીઓના વેપારી જણાવ્યું હતું.

આવતી કાલે શ્રાવણ સુદ પૂનમને નવમી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાશે. આ વર્ષે પૂનમ તિથિ બપોરે 1: 24 વાગ્યા સુધી છે અને આ દિવસે રાખડી બાંધવા માટે કોઈ પણ પ્રકારનું ‘વિષ્ટિ બાધ્ય’ નથી, જે એક શુભ સંકેત છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના વચનને વ્યક્ત કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ છે.

Exit mobile version