
અમદાવાદઃ વડોદરામાં હરણી તળાવમાં સર્જાયેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે અને સમગ્ર મામલો હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા બોટીંગનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીના 18 જેટલા ભાગીદારો સામે બેદરકારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા 3 વ્યક્તિઓની અટકાયત કરીને આગવીઢબે પૂછપરછ આરંભી છે. દરમિયાન સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વકની તપાસ માટે એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાના વડપણ હેઠળ સાત સભ્યોની એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર કેસમાં આરોપીઓનો કેસ નહીં લડવાનો વડાદરાના વકીલોએ નિર્ણય લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ એસઆઈટીમાં વડોદરા શહેર પોલીસના ઝોન 4 ડીસીપી પન્ના મોમાયા, ક્રાઇમ DCP યુવરાજસિંહ જાડેજા, ક્રાઈમબ્રાંચના ACP, 2 PI અને 1 PSIનો પણ સમાવેશ કરાયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પોલીસની નવ ટીમો બનાવીને કોન્ટ્રાક્ટ કંપનીના ભાગીદારોને ઝડપી લેવા કવાયત શરુ કરવામાં આવી છે. જેથી આગામી સમયમાં ધરપકડનો દોર શરુ થવાની શક્યતા છે. પોલીસ દ્વારા કંપનીના ભાદીગારો સામે બેદરકારી અને નિષ્કાળજી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. બીજી તરફ મનપાના જવાબદાર અધિકારી-કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવાની લોક માંગણી ઉઠી છે.
વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો પ્રવાસ અર્થે હરણી તળાવ ગયા હતા. જ્યાં બાળકોને બોટિંર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોટ પલટી જવાની દુઃખદ ઘટના બની હતી. જેની ગંભીર નોંધ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ રાજ્ય સરકારે સમગ્ર ઘટનામાં જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.