
નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન ઘણા સમયથી આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. જેથી લોકોની હાલક કફોડી બની છે. દરમિયાન ઇસ્લામાબાદની તમામ પાંચ જાહેર ક્ષેત્રની હોસ્પિટલો અને લાહોરની શેખ જાયદ હોસ્પિટલ બંધ થવાની આરે છે. અહીંની આ હોસ્પિટલોના સુચારૂ સંચાલન માટે 11 અબજ પાકિસ્તાની રૂપિયા (PKR) પ્રદાન કરવાની નાણા વિભાગની વિનંતીને ફેડરલ આરોગ્ય મંત્રાલયે ફગાવી દીધી છે. જેના કારણે અનેક કર્મચારીઓનો પગાર અટકી ગયો છે. પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (PIMS)ની નર્સો એક અઠવાડિયા કરતાં વધુ સમયથી પગાર અટકાવવા સામે વિરોધ કરી રહી છે. આ હોસ્પિટલોની પ્રયોગશાળાઓ પણ ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે બંધ થઈ જશે કારણ કે ટેસ્ટિંગ કીટનો સ્ટોક પણ ખતમ થઈ રહ્યો છે. ફિલ્મના અભાવે રેડિયોલોજી ટેસ્ટ પણ નકારવામાં આવી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, કંપનીઓને ટેન્ડરની રકમ ચૂકવવામાં આવી ન હોવાથી દર્દીઓને દવાઓ પણ આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. લાહોરની શેખ ઝાયેદ હોસ્પિટલ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે કારણ કે તે સંઘીય આરોગ્ય મંત્રાલયના ભંડોળથી ચલાવવામાં આવે છે. એવી આશંકા છે કે આગામી દિવસોમાં પાકિસ્તાનની કથળતી અર્થવ્યવસ્થાને કારણે ઈમરજન્સી વિભાગો પણ બંધ થઈ શકે છે.
સત્તાવાર આંકડાઓને ટાંકીને ડૉન અખબારે પાકિસ્તાનની કથળતી અર્થવ્યવસ્થાના વધુ એક મુદ્દાને ઉજાગર કર્યો છે. દેશમાં વાર્ષિક ટૂંકા ગાળાનો ફુગાવો 4 મહિનામાં પ્રથમ વખત 40% થી ઉપર ગયો છે. પાકિસ્તાન બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સ (PBS) એ જણાવ્યું હતું કે, 16 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફુગાવાનો દર 41.9% હતો, જેનું મુખ્ય કારણ એક વર્ષ અગાઉની સરખામણીમાં ગેસ ડ્યૂટીમાં 1,100% થી વધુ વધારો છે. મોંઘવારી સાથેની અન્ય વસ્તુઓમાં સિગારેટ (94.5%), ઘઉંનો લોટ (86.4%), મરચું પાવડર (81.7%), તૂટેલા બાસમતી ચોખા (76.7%), લસણ (63.6%)નો સમાવેશ થાય છે. IMFએ વર્તમાન નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનની બાહ્ય દેવાની જરૂરિયાતો ઘટાડીને $25 બિલિયન કરી દીધી છે. રોકડની તંગીથી પીડિત પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટી રાહત આપતા તેણે તેમાં $3.4 બિલિયનનો ઘટાડો કર્યો છે.