નવી દિલ્હીઃ ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં ગુરુવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે મહિલાઓ સહિત છ લોકોના મોત થયા હતા.જ્યારે આઠ મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માત NH-520 હાઇવે પર કોઈડા બ્લોક હેઠળના બાલાંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.
માહિતી મુજબ, રાઉરકેલાથી કોઈડા જતી એક ખાનગી બસ ખોટી દિશામાંથી આવી રહી હતી અને તે સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસને ભારે નુકશાન થયું હતું. તેમજ બસની અંદર બેઠેલા મુસાફરો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે મશીનરીની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને પ્રથમ બાલાંગની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે રાઉરકેલાની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ઘાયલોમાં મોટાભાગના લોકોને માથા અને હાડકાની ગંભીર ઈજાઓ થઈ છે.
રાઉરકેલાના પોલીસ અધિક્ષક નિતેશ વાધવાણીએ જણાવ્યું હતું કે, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસ ખોટી દિશામાં જઈ રહી હતી, જેના કારણે ટ્રક સાથે સીધી ટક્કર થઈ હતી. અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે અને આઠથી વધુ મુસાફરો ઘાયલ છે.” અકસ્માત સમયે બસમાં અંદાજે 40 મુસાફરો સવાર હતા. ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ અને ગુસ્સો ફેલાયો હતો. લોકોનો આક્ષેપ છે કે ખોટી દિશામાં ચાલતી બસો અને ઓવરલોડિંગ વાહન ઘણીવાર આવા જીવલેણ અકસ્માતનું કારણ બને છે.
વિપક્ષના નેતા અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “સુંદરગઢના કે. બાલાંગ નજીક થયેલા માર્ગ અકસ્માતના સમાચાર અત્યંત દુઃખદ છે. મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે હું ઘાયલોના ઝડપી આરોગ્યલાભ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે.”