
મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં જનજાગૃતિ અભિયાન, કાર્યકરોએ કર્યા સૂત્રોચ્ચાર
અમદાવાદઃ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આજથી કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ગુજરાતભરમાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકોને મોંઘવારી વિશે સમજ આપીને મોંઘવારી સામે લડત અને સહકાર આપવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસનો પેજ સભ્ય કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે. આ દરિમાયન કોંગ્રેસના કાર્યકરોએ મોંઘી દાળ, મોંઘું તેલ આ બધો ભાજપનો ખેલ સાથેના બેનરો અને હાય રે મોંઘવારી… હાય હાયના સૂત્રોચ્ચાર કર્યાં હતા.
શહેરના ખોખરા વિસ્તારમાં આજથી શહેર કોંગ્રેસ દ્વારા જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને શહેર પ્રમુખ ચેતન રાવલની આગેવાનીમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ખોખરા વિસ્તારની દુકાનોમાં તથા રસ્તા પર જતા રાહદારીઓને મોંઘવારી વિશે સમજાવીને સાથ આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત મોંઘવારીથી થતી મુશ્કેલીઓ અંગે પણ લોકોને સમજાવ્યું હતું.
કોંગ્રેસ દ્વારા જન જાગૃતિ અભિયાનની સાથે સાથે પેજ સભ્ય કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ભાજપે પેજ પ્રમુખ બનાવવાનો કાર્યક્રમ કર્યો હતો, તે જ પ્રમાણે હવે કોંગ્રેસે પણ પેજ સભ્ય બનાવવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં લોકોને કોંગ્રસની વિચારધારા અંગે સમજણ પાડીને કોંગ્રેસમાં જોડાવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનમાં નવા મતદારો એટલે કે તાજેતરમાં જ જેમની 18 વર્ષ ઉંમર પૂર્ણ થઈ હોય તે અને મહિલાઓને વધુ પ્રમાણમાં જોડવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે વધતી જતી મોંઘવારીથી લોકો પરેશાન છે, પરંતુ સામાન્ય નાગરિક કાંઈ બોલી શકતા નથી.જેથી આજથી નાગરિકો માટે જ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લોકોને મોંઘવારી વિશે સમજ પાડીને મોંઘવારી સામે અવાજ ઉઠાવવા સમજાવ્યું છે.લોકો અવાજ ઉઠાવશે તો સરકારને જાણ થશે.