Site icon Revoi.in

માઉન્ટ આબુમાં બર્ફિલો માહોલ, કૂદરતી નજારાને માણવા સહેલાણીઓ ઉમટી પડ્યાં

Social Share

આબુરોડ, 26 જાન્યુઆરી 2026: ગુજરાતની સરહદ પર આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાલ બર્ફિલો માહોલ જોવા મળી રહ્યો છે. રોડ પર તેમજ પાર્ક કરેલા વાહનો પર બરફની ચાદર પથરાઈ ગઈ હતી. માઉન્ટમાં માઈનસ 4 ડિગ્રીમાં પણ બર્ફિલા નજારાને માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. પણ ઠંડા પવનોએ પ્રવાસીઓને ધ્રુજાવી દીધા છે. સાંજ પડતા પ્રવાસીઓ હોટલોમાં પુરાઈ જતા હોવાથી રાતના સમયે માઉન્ટના રસ્તાઓ સુમસામ બની ગયા હતા.

 રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન અને પર્યટકોના માનીતા સ્થળ માઉન્ટ આબુમાં હાલમાં કડકડતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બાદ પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ગગડીને માઈનસ 4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. જેના કારણે સમગ્ર હિલ સ્ટેશન ઠંડુગાર બની ગયું છે અને જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં શનિવારે પણ તાપમાનનો પારો ગગડીને માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો. અરવલ્લી પર્વતમાળાના સૌથી ઊંચા શિખર એવા ગુરુ શિખર પર તો ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

માઈનસ તાપમાનને કારણે માઉન્ટ આબુમાં રવિવારે સવારે અદભૂત અને આશ્ચર્યજનક દૃશ્યો જોવા મળ્યા હતા. શહેરના મેદાનો, બગીચાઓ અને હોટલના પ્રાંગણમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી. ખાસ કરીને રાત્રિના સમયે પાર્ક કરવામાં આવેલી કાર અને અન્ય વાહનોની ઉપર બરફના થર જામી ગયા હતા. સવારે પર્યટકો અને સ્થાનિક લોકો વાહનો પરથી બરફ હટાવતા નજરે પડ્યા હતા. ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોએ ઠંડીમાં વધારો કર્યો છે. સમગ્ર રાજસ્થાનમાં હાલ શીતલહેર (Cold Wave) જેવો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ માઉન્ટ આબુમાં પારો માઈનસમાં જતાં અહીં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડી હોવા છતાં મોટી સંખ્યામાં પર્યટકો માઉન્ટ આબુના આ “કાશ્મીર જેવા” વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓ નખી લેક અને સનસેટ પોઈન્ટ પર લાલ ગુલાબી ઠંડીમાં ફોટોગ્રાફી અને ભ્રમણનો આનંદ લેતા જોવા મળ્યા હતા. બીજી તરફ, સ્થાનિક રહીશો અને રાહદારીઓએ ઠંડીથી બચવા માટે ઠેર-ઠેર તાપણાનો સહારો લીધો હતો. ગરમ વસ્ત્રો અને ગરમાગરમ ચા-નાસ્તાની દુકાનો પર પર્યટકોની ભારે ભીડ જોવા મળી હતી.

Exit mobile version