1. Home
  2. Agency
  3. News
  4. સોશિયલ મીડિયા એપ તમારી આ માહિતીની ચોરી કરે છે, શું તમે જાણો છો?
સોશિયલ મીડિયા એપ તમારી આ માહિતીની ચોરી કરે છે, શું તમે જાણો છો?

સોશિયલ મીડિયા એપ તમારી આ માહિતીની ચોરી કરે છે, શું તમે જાણો છો?

0
Social Share

નવી દિલ્હી, 27 માર્ચ, 2026: સોશિયલ મીડિયા ફ્રી અર્થાત મફત ભલે છે પણ વાસ્તવમાં તમારે તેની ઘણી મોટી કીમત ચૂકવવી પડે છે. દુનિયામાં કદી કશું મફત હોતું નથી અને એ વાત સોશિયલ મીડિયા એપ્સને પણ લાગુ પડે છે. જેમ કે, આજના સમયમાં ઈન્સ્ટાગ્રામ માત્ર ફોટો અને વીડિયો શેર કરવાનું પ્લેટફોર્મ રહ્યું નથી, પરંતુ તે યુઝર્સની અનેક પ્રકારની જાણકારી પણ એકઠી કરે છે.

મોટાભાગના લોકો વાંચ્યા વગર જ એપને પરવાનગી (Permission) આપી દે છે, જેનાથી તેમની ખાનગી વિગતો સુધી પહોંચવું સરળ બની જાય છે. આ જ કારણ છે કે ઘણીવાર યુઝર્સને અંદાજ પણ હોતો નથી કે તેમની કઈ કઈ માહિતીનો ઉપયોગ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ H-1B વિઝાધારકોનું લઘુતમ વેતન વધારવા પ્રસ્તાવ, જાણો કોને લાભ થશે?

કઈ કઈ વિગતો ટ્રેક કરવામાં આવે છે?

આ સોશિયલ મીડિયા એપ તમારા સ્માર્ટફોનમાંથી અનેક પ્રકારનો ડેટા એકઠો કરી શકે છે. આમાં તમારું લોકેશન, સર્ચ હિસ્ટ્રી, બ્રાઉઝિંગ હિસ્ટ્રી, ડિવાઇસની જાણકારી (જેમ કે મોડેલ, બેટરી, નેટવર્ક) અને એપ પર તમારી દરેક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. તમે કઈ પોસ્ટ પર કેટલી વાર રોકાયા, શું લાઈક કર્યું, કોને ફોલો કર્યા – આ બધું જ રેકોર્ડ કરવામાં આવે છે. આ ઉપરાંત, જો તમે કોન્ટેક્ટ એક્સેસ આપ્યો હોય, તો તમારી ફોનબુકના નંબર પણ એપ સુધી પહોંચી શકે છે.

આ ડેટાનો શું ઉપયોગ થાય છે?

ઈન્સ્ટા તમારી આ જાણકારીઓનો ઉપયોગ પર્સનલાઈઝ્ડ અનુભવ આપવા માટે કરે છે. એટલે કે તમને તે જ કન્ટેન્ટ અને જાહેરાતો બતાવવામાં આવે છે જેમાં તમને રસ હોઈ શકે. ઉદાહરણ તરીકે, જો તમે વારંવાર કોઈ ખાસ વિષય સાથે જોડાયેલી પોસ્ટ જુઓ છો, તો તે જ પ્રકારની વધુ પોસ્ટ્સ તમારા ફીડમાં દેખાવા લાગે છે. આ પ્લેટફોર્મની પેરેન્ટ કંપની Meta આ ડેટાનો ઉપયોગ એડ ટાર્ગેટિંગ અને અલ્ગોરિધમ સુધારવા માટે કરે છે, જેનાથી તેનો બિઝનેસ મોડેલ મજબૂત થાય છે.

આ પણ વાંચોઃ નેશનલ ઇન્ડિપેન્ડન્ટ પાર્ટીના નેતા બાલેન્દ્ર શાહ આજે નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લેશે

પ્રાઇવસી પર ખતરો

તમને ખબર પડે છે કે તમારા લોકેશનથી લઈને તમારી પસંદ-નાપસંદ સુધીની દરેક વસ્તુ ટ્રેક થઈ રહી છે, ત્યારે તે થોડું અસહજ અનુભવ કરાવી શકે છે. ખાસ કરીને ત્યારે, જ્યારે આ ડેટા થર્ડ પાર્ટી સાથે પણ શેર થઈ શકે છે. ડેટા લીક કે હેકિંગની સ્થિતિમાં તમારી ખાનગી જાણકારી ખતરામાં પણ પડી શકે છે.

આ સંજોગોમાં શું કરવું જોઈએ?

જો તમે તમારી જાણકારી સુરક્ષિત રાખવા માંગતા હોવ, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું અત્યંત મહત્ત્વનું છે:

એપને આપેલી પરમિશન સમયાંતરે ચેક કરો અને બિનજરૂરી એક્સેસ બંધ કરી દો.

લોકેશન, માઇક્રોફોન અને કોન્ટેક્ટ જેવી સંવેદનશીલ પરમિશન ત્યારે જ આપો જ્યારે જરૂર હોય.

ઈન્સ્ટાના પ્રાઇવસી સેટિંગ્સમાં જઈને ડેટા શેરિંગ અને એડ પર્સનલાઇઝેશનને કંટ્રોલ કરી શકાય છે.

કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ સાવધાનીથી કરવો જરૂરી છે, નહીં તો તમારી પર્સનલ જાણકારીનો ખોટો ઉપયોગ થવાની શક્યતા વધી જાય છે. ડેટાની સુરક્ષા માટે લઘુતમ પરમિશન આપવી એ જ સૌથી વાજબી રસ્તો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code