સોલાર એનર્જી કોર્પોરેશન લિમિટેડ (SECI) એ 60 GW નવીનીકરણીય ઉર્જા ક્ષમતા માટે પાવર સેલ્સ કરારો (PSA) પર હસ્તાક્ષર કર્યા છે. આ સિદ્ધિ ભારતને સ્વચ્છ અને ટકાઉ ઉર્જા ભવિષ્ય તરફ લઈ જવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સોલાર એનર્જી કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંતોષ કુમાર સારંગીના જણાવ્યા અનુસાર, 14 વર્ષમાં 60 GW PSA ના અમલીકરણે કોર્પોરેશનની યાત્રામાં નિર્ણાયક ક્ષણ તરીકે ચિહ્નિત કર્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવીનીકરણીય ઉર્જા માટે કરવામાં આવેલા આ કરારોમાં સૌર, પવન અને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
આ ભારતની વધતી જતી નવીનીકરણીય ઉર્જા ક્ષમતાનો એક મોટો ભાગ છે. આ કરારો દ્વારા, કોર્પોરેશન લાંબા સમય સુધી ઉત્પાદિત ઉર્જાની ખરીદી સુનિશ્ચિત કરે છે, પ્રોજેક્ટ ડેવલપર્સ અને રોકાણકારોને ચુકવણી સુરક્ષા પૂરી પાડે છે. આ વ્યવસ્થા નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સને આર્થિક રીતે સધ્ધર બનાવે છે.
આ લાંબા ગાળાના કરારો દેશમાં નવીનીકરણીય ઉર્જા બજારને મજબૂત બનાવે છે. આ ખાનગી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓનો વિશ્વાસ વધારે છે અને ઓછા કાર્બનવાળા અર્થતંત્ર માટે મૂડી પ્રવાહને વેગ આપે છે. ભવિષ્યની યોજનાઓમાં ઊર્જા સંગ્રહ, ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાનું ઉત્પાદન, સપ્લાય ચેઇનને મજબૂત બનાવવી અને નવા સપ્લાય મોડેલ્સ વિકસાવવાનો સમાવેશ થાય છે.નોંધનીય છે કે સોલાર એનર્જી કોર્પોરેશન ભારત સરકારના નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય હેઠળ એક નવરત્ન જાહેર ક્ષેત્રનો ઉપક્રમ છે. તેની સ્થાપના વર્ષ 2011 માં કરવામાં આવી હતી અને તે નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા ભજવી રહી છે.