
વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં પ્રવેશોત્સવની મોસમ,કોંગ્રેસના કેટલાક નેતા,કાર્યકરો જોડાશે
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપમાં પ્રવેશોત્સવની મોસમ ચાલી રહી છે. સુરતમાં આમઆદમીના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા બાદ મહેસાણા લ્લાના કેટલાક કોંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા હવે આવતીકાલે સોમવાર અને મંગળવારે પણ કોંગ્રેસના કેટલાક કાર્યકરો, નેતાઓ પણ બોજપનો ખેસ પહેરીને કોંગ્રેસને રામ રામ કરશે. કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર ભાજપમાં મંગળવારે ભાજપમાં જોડાશે. ત્યારે કોંગ્રેસ છોડેલા કેટલાક નેતાઓ સોમવારે ભાજપમાં જોડાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાય એ પહેલા અન્ય કેટલાક આગેવાનો ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા ભરત દેસાઈ, રાકેશ ગોસ્વામી અને પ્રશાંત પરમાર આવતીકાલે ભાજપમાં જોડાશે. જે ગુજરાત કોંગ્રેસ માટે મોટો ઝટકો સાબિત થશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વધુ એક નેતા પણ કોંગ્રેસનો હાથ છોડશે. લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ પણ કેસરિયા કરવાના છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં આવતીકાલે કમલમમાં તમામ નેતાઓ ભાજપનો ખેસ પહેરશે. હીરાભાઈ પટેલ વર્ષ 2007 થી 2017 દરમિયાન ધારાસભ્ય રહી ચૂક્યાં છે. એ અગાઉ 2 ટર્મ રહી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના આંતરવિવાદને કારણે જયરાજસિંહ પરમારે તાજેતરમાં પક્ષ સાથે છેડો ફાડ્યો હતો. ભાવુક થઈને તેમણે કહ્યું હતું કે, મે કારકિર્દી જોખમમાં મૂકી કામ કર્યુ છે, કોંગ્રેસમાં કોઈ સિસ્ટમ નથી. જયરાજસિંહ પરમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કોંગ્રેસ હટાવ્યું હતું. પોતાના કોંગ્રેસના હોદ્દાઓ દૂર કર્યા છે. સાથે જ તેમણે કાર્યકરો જોગ પત્ર પણ લખ્યો હતો. જેમાં પોતાને થયેલા અન્યાયનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ પોતાને ટિકિટ ન મળ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે.
આપ અને કોંગ્રેસમાં ગાબડું પાડવા ભાજપે કમર કસી છે. તાજેતરમાં કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આપના કોર્પોરેટરો વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનિષાબેન કુકડિયા અને રૂતા દૂધાતરા ભાજપમાં જોડાયા હતા. આમ, સુરત આપમાં મોટુ ભંગાણ સર્જાયુ હતું. ત્યારે હવે કોંગ્રેસના નેતાઓ ભાજપ તરફ પ્રયાણ કરી રહ્યાં છે.