
ગુજરાતમાં 25 લાખથી વધુ હેક્ટરમાં વાવણી કાર્ય પૂર્ણ, વરસાદ ખેંચાતા ખેડૂતો બન્યાં ચિંતિત
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. પરંચુ રાજ્યમાં હજુ ધોધમાર વરસાદ હજુ સુધી પડ્યો નથી દક્ષિણ ગુજરાતને બાદ કરતા હજુ રાજ્યના અનેક જિલ્લાઓ ભર અષાઢે કોરા છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મોંઘુ બિયારણ નિષ્ફળ જવાના ડરથી મૂંઝવણ અનુભવી રહ્યા છે. ચોમાસાના પ્રારંભે સારો વરસાદ થતાં ખેડૂતો દ્વારા વાવણીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ વાવણી બાદ ખેતીને જોઈએ એવો વરસાદ નહિ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ વહેલુ શરૂ થતા રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જેથી રાજ્યના ખેડૂતોએ આ વર્ષે ઉનાળો પૂરો થતાં ખેડૂતોએ વાવણી કરવા માટે જમીન ખેડવાનો પ્રારંભ કરી દીધો હતો અને વાવણી માટે ખાતર છાંટી જમીન તપાવીને તૈયારી કરી લીધી હતી. ત્યાર બાદ સમયસર ચોમાસાનો પ્રથમ વરસાદ થતાં ખેડૂતોએ વાવણીનો પણ પ્રારંભ કરી દીધો હતો. ખેડૂતો દ્વારા કપાસ, બાજરી, જુવાર, મગફળી અને ઘાસચારા સહિત આશરે 17 લાખ હેક્ટરથી વધારે વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ વાવણી કર્યા બાદ ઘણા લાંબા સમયથી વરસાદ ખેંચાઇ રહ્યો છે.
જે જિલ્લામાં ખેડૂતોની વાડીઓમાં પિયતની સગવડ છે એવા ખેડૂતોને હાલ તો વાંધો આવે એમ નથી. પરંતુ જે ખેડૂતો પિયતની સગવડ નથી ધરાવતા એટલે કે જેમની પાસે કૂવા કે બોર કે નજીકમાં કેનાલ નથી એવા ખેડૂતો ચોમાસાના વરસાદ પર નિર્ભર હોય છે. રાજ્યમાં અનેક તાલુકાઓમાં હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખેંચાઇ રહ્યો છે, રાજ્યમાં હાલ જે નક્ષત્ર ચાલી રહ્યા છે એ વરસાદી નક્ષત્ર છે. પરંતુ એમાં પણ વરસાદ નથી થઈ રહ્યો. જો ચાર-પાંચ દિવસમાં વરસાદ નહિ વરસે તો રાજ્યના ખેડૂતોનું બિયારણ નિષ્ફળ જઈ શકે છે.