Site icon Revoi.in

અમદાવાદમાં છઠ્ઠ મહાપર્વની સાબરમતી રિવરફ્રન્ટ પર વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ

Social Share

અમદાવાદ : ઉત્તર ભારતમાં દિવાળી પછીના આસ્થાના મહાપર્વ છઠ્ઠ પૂજાનું વિશેષ મહત્તવ છે. આ તહેવાર માટે અમદાવાદમાં વસતા હજારો ઉત્તર ભારતીયો માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. શહેરના વિવિધ સ્થળો સહિત ઇન્દિરા બ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ્ઠ પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આવતી કાલે 26 ઑક્ટોબરે છઠ્ઠના દિવસે સાંજે ચારથી પાંચ વાગ્યાથી પૂજાની શરુઆત થશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે, ઇન્દિરા બ્રિજ પાસે આવેલા ઘાટ પર દર વર્ષે 5000થી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થાય છે. ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અહીં ડોમ, સ્ટેજ અને ચેન્જિંગ રૂમ સહિતની સુવિધાઓ ગોઠવવામાં આવી છે. સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વ્રતધારીઓને કોઈ મુશ્કેલી ન પડે. વ્રતધારીઓ ઊગતા સૂર્યની આરાધના સાથે પૂજા કરશે.

અમદાવાદના બાપુનગર, વિરાટનગર, ઠક્કરનગર, ખોડિયારનગર જેવા પૂર્વી વિસ્તારોમાં વસતા પરપ્રાંતીય લોકો માટે પણ તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વ્રતધારીઓની આરામ અને સુરક્ષા માટે દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. છઠ્ઠ મહાપર્વને લઇને શહેરની રિવરફ્રન્ટ અને ફાર્મા હાઉસ વિસ્તારમાં ભીડ વધવાની સંભાવના છે. તંત્રએ તમામ તૈયારી અને નિયંત્રણ સુનિશ્ચિત કર્યા છે, જેથી તહેવાર શાંતિપૂર્ણ અને ભક્તિભર્યું મનાવવામાં આવે છે.

છઠ્ઠ પૂજાની પરંપરા બિહારથી આવે છે. લોકવાયકા મુજબ, યુદ્ધમાં વિજયી બનીને લંકાથી પરત ફર્યા બાદ માતા સીતા અને ભગવાન રામ દ્વારા સૌપ્રથમ ગંગા ઘાટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા છઠ્ઠ પૂજા કરવામાં આવી હતી. ત્યારથી આ પરંપરા સમગ્ર ઉત્તર ભારત અને બહારના વિસ્તારના ઉત્તર ભારતીયો વચ્ચે ભવ્ય રીતે મનાવવામાં આવે છે.