વડોદરા, 11 માર્ચ 2026: Arrangements to protect animals from heat શહેરમાં તાપમાનમાં વધારો થતાં જ સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને તાપમાનથી બચાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે. જેમાં જંગલી પશુઓના પાંજરા આસપાસ સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પાંજરા નજીક મોટા એરકૂલરો મુકવામાં આવ્યા છે. પક્ષીઓ માટે ઘાસની પથારી અને સતત ઠંડક મળતી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સર્પસૃષ્ટિ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં ગરમી 40 ડિગ્રીને પાર પહોંચી ગઈ છે. ગરમીનો પારો વધતાં મનુષ્ય, મૂંગા પશુ પક્ષીઓ ઉપર અસરો વર્તાઈ રહી છે. ત્યારે સયાજીબાગ ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ, પક્ષીઓને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થી કરવામાં આવી છે.
શહેરના સયાજીબાગ ઝૂ વિભાગ દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીમાં રક્ષણ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમાં સવારે તથા બપોરે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પશુ પક્ષીઓના પીંજરામાં ગ્રીન નેટ તથા ઘાસના છાપરા તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ પશુ-પક્ષીઓને ગરમીમાં ઠંડક મળી રહે તેવા ખોરાક આપવામાં આવી રહ્યાં છે. પશુ પંખીઓનું સમયાંતરે ચેકઅપ કરવામાં આવે છે, પાણીના ફૂવારા પશુ પક્ષીઓના પિંજરા પાસે લગાવવામાં આવ્યા છે. તેમજ મોટા એરકૂલરો મુકવામાં આવ્યા છે. પ્રાણીઓને આસપાસ ઠંડુ વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

