રાજકોટ, 8 જાન્યુઆરી 2026: પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આજથી એટલે કે, તા. 8થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઊજવણી કરવામાં આવી રહી છે. સ્વાભિમાન પર્વની ઊજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિતિ રહેશે. સ્વાભિમાન પર્વની ઊજવણીમાં ભાગ લેવા માટે ભાવિકો સોમનાથ જઈ રહ્યા છે. ત્યારે યાત્રિકોની સુવિધા માટે રાજકોટથી સોમનાથ જવા માટેની સ્પેશિયલ ટ્રેન 4 દિવસ દરમિયાન દોડશે, જેમાંની પ્રથમ ટ્રેનનો ગુરૂવારે રાત્રે 12 વાગ્યે રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી પ્રારંભ થયો હતો. આ સમયે ડમરુ અને કરતાલના નાદ સાથે રેલવે સ્ટેશન પર દિવ્ય ધાર્મિક માહોલ સર્જાયો હતો.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરના પ્રાંગણમાં 2500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે. જેમાં દેશના વડાપ્રધાન અને સોમનાથ મંદિરના પ્રમુખ નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ ઉપસ્થિત રહેશે. જેને લઈ રાજકોટથી 7, 8, 9 અને 10 જાન્યુઆરીના એમ 4 દિવસ સ્પેશિયલ ટ્રેન દોડાવમાં આવી રહી છે. પ્રથમ ટ્રેન ગુરૂવારે રાત્રે 12 વાગ્યે ભક્તિમય માહોલમાં રવાના થઈ હતી. આ તકે મેયર નયનાબેન પેઢડીયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ સાંજે 5.30 કલાકે સોમનાથ પહોંચશે. વડાપ્રધાન મોદી 11 જાન્યુઆરીના રોજ ભગવાન સોમનાથના દર્શન-અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે. દર્શન-અર્ચન બાદ વડાપ્રધાન સોમનાથ મંદિરની બહાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત તેઓ એક ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે

