
ન્યૂઝીલેન્ડને પરાસ્ત કરીને ટીમ ઇન્ડિયા ફરીથી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ સ્પોટ પર, ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે
- ન્યૂઝીલેન્ડને મ્હાત આપીને ટીમ ઇન્ડિયાની સિદ્વિ
- ફરીથી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ સ્પોટ પર પહોંચી
- ICCએ ટેસ્ટ રેન્કિંગ બહાર પાડ્યું
નવી દિલ્હી: મુંબઇ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને પરાસ્ત કરીને ટીમ ઇન્ડિયાએ ઐતિહાસિક જીત મેળવી લીધી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ બીજી એક સિદ્વિ હાંસલ કરતા ટેસ્ટ રેન્કિંગમાં ફરીથી ટોચ પર જગ્યા બનાવી લીધી છે.
ભારત-ન્યૂઝીલેન્ડની સિરીઝ બાદ ICC દ્વારા ટેસ્ટ માટેના નવા રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે, આ વખતે ટેસ્ટ રેન્કિંગમાં ફરીથી નંબર 1 પર ભારત બિરાજમાન થઇ ગયું છે. હાલના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિનર ન્યૂઝીલેન્ડને હરાવીને ટીમ ઇન્ડિયાએ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ICC રેન્કિંગમાં હવે ભારત 124 પોઇન્ટ સાથે ટોચ પર છે. ન્યૂઝીલેન્ડ 121 પોઇન્ટ સાથે બીજા ક્રમાંકે છે.
ટીમ ઇન્ડિયાની અંદાજિત 6 મહિના બાદ નંબર 1 પોઝિશન પર વાપસી થઇ છે. જૂનમાં જ્યારે ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ગુમાવી હતી, ત્યારબાદ ન્યૂઝીલેન્ડ નંબર 1 પર ચાલ્યું ગયું હતું. પરંતુ હવે ટીમ ઇન્ડિયાએ ફરીથી તે હાંસલ કરી લીધું છે.
કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ભારતીય ટેસ્ટ ટીમ વધુને વધુ મજબૂત બની રહી છે. ભારતીય ટીમ વર્ષ 2016 થી 2020 સુધી સતત 1 નંબર પર રહી ચૂકી છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે થોડા સમય તે પોઝિશન મેળવી હતી.
બાદમાં ભારતે ફરીથી આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી, પરંતુ ટેસ્ટ ચેમ્પિયનશિપ ગુમાવીને ટીમ ઇન્ડિયા નંબર-2 પર પહોંચી હતી. હવે કેપ્ટન વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડની જોડીની સામે પડકાર હશે કે તેઓ આ પૉઝિશનને યથાવત્ રાખે અને સાઉથ આફ્રિકામાં પણ જીત મેળવી લે.
નોંધનીય છે કે મુંબઇ ટેસ્ટમાં, ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનથી મ્હાત આપીને અને બંને સિરીઝ જીતી લીધી છે. રનના હિસાબે પણ આ ભારતની સૌથી મોટી જીત છે.
મુંબઇ ટેસ્ટ દરમિયાન ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને મેચ જીતવા માટે 540 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે ઘૂંટણીયે થઇ હતી અને માત્ર 167 રન બનાવીને ઑલઆઉટ થઇ ગઇ હતી.