Site icon Revoi.in

દિલ્હીમાં જાસૂસી મોડ્યુલનો પર્દાફાશ, નેપાળી નાગરિકની ધરપકડ

Social Share

નવી દિલ્હી : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જાસૂસી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં નેપાળી નાગરિક પ્રભાત કુમાર ચૌરસિયા (43)ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી આધાર કાર્ડ મારફતે મેળવાયેલા 16 ભારતીય સિમ કાર્ડ (એરટેલ અને જિયો) મળી આવ્યા હતા, જેમાંથી 11 સિમ કાર્ડ પાકિસ્તાન (લાહોર, બહાવલપુર વગેરે)માંથી વોટ્સએપ પર માહિતીની આપ-વે માટે ઉપયોગમાં લેવાતા હતા.

તપાસમાં જાણવા મળ્યું કે આ સિમ કાર્ડ નેપાળ મારફતે ISI હેન્ડલર્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ વોટ્સએપ એકાઉન્ટ દ્વારા ભારતીય સેનાના અધિકારીઓનો સંપર્ક કરવાનો અને સંરક્ષણ સંબંધિત સંવેદનશીલ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આરોપી 2024 થી ISIના સંપર્કમાં હતો.

પોલીસે જણાવ્યું કે ISIએ આરોપીને યુએસ વિઝા અને વિદેશમાં પત્રકારત્વ કારકિર્દીની લાલચ આપી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

પાકિસ્તાન તેની જાસૂસી પ્રવૃત્તિઓથી ક્યારેય પાછળ નથી હટતું. તે સતત ભારતની સુરક્ષા તંત્ર વિશે માહિતી મેળવવાના પ્રયાસ કરે છે. પરંતુ ભારતીય એજન્સીઓ તેના તમામ કાવતરાંને નિષ્ફળ બનાવે છે. તાજેતરનો કિસ્સો પણ પાકિસ્તાનના જ નાપાક ઇરાદાઓ સાથે સંકળાયેલો છે.

પહેલગામ આતંકવાદી હુમલા બાદથી ભારતે પાકિસ્તાન સામે વધુ કડક વલણ અપનાવ્યું છે. ભારતે પાકિસ્તાનની હકીકત દુનિયા સમક્ષ મૂકી છે, જેને કારણે પાકિસ્તાન નારાજ છે અને સતત નવા કાવતરાં ઘડી રહ્યું છે. પરંતુ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ફરી એક વાર પાકિસ્તાનના જાસૂસી મિશનનો પર્દાફાશ કરીને તેને મોટો ઝટકો આપ્યો છે.