Site icon Revoi.in

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક ટ્રક પાછળ એસટી બસ ઘૂંસી ગઈ

Social Share

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. વહેલી સવારે વાપીથી ચાણસ્મા જઈ રહેલી એસટી બસ હાઈવે સાઈડ પર પાર્ક કરેલી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા 19 પ્રવાસીઓ ઘવાયા હતા, જેમાં વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા 6 વિદ્યાર્થીમાંથી 3 વિદ્યાર્થી પણ ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે બસના ડ્રાઇવરને ગંભીર ઇજા થઈ છે. એસટી બસના 19 પ્રવાસીઓને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક વાપીથી ચાણસ્મા જઈ રહેલી એસટી બસ રોડ સાઈડ પર પાર્ક કરેલી ટ્રક પાછળ ઘૂંસી ગઈ હતી. જેમાં એસટી બસમાં પ્રવાસ કરી રહેલી 19 પ્રવાસીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી.તમામ પ્રવાસીઓને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વડોદરાની એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.નિકુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે સવારે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા મારા ગામ નાના વાકછીયાથી મહેશભાઈ પટેલનો ફોન આવ્યો કે, આપણા ગામના પાંચ-છ વિદ્યાર્થીઓ વાપીથી મહેસાણા પરીક્ષા આપવા માટે ST બસમાં જઈ રહ્યા હતા ત્યારે સવારે નેશનલ હાઇવે પર અકસ્માત થયો છે અને તેઓને એસએસજી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવ્યા છે. જેથી હું તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો. અહીંયા આવીને જોયું તો 6 વિદ્યાર્થીઓ સ્ટેબલ પરિસ્થિતિમાં છે. બે લોકોને થોડી ગંભીર ઈજા થઈ છે, વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપીને અત્યારે ગાડી કરીને એમને મહેસાણા રવાના કર્યા છે. કારણ કે એમની કાલે પરીક્ષા છે.

આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમે વાપીથી નંદાસણ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અકસ્માત થઈ ગયો. રસ્તામાં આવેલી ટ્રકની પાછળ બસ અથડાઈ હતી. જ્યારે અકસ્માત થયો ત્યારે અમે ઊંઘેલા હતા અને અકસ્માત થતાં અચાનક ઝાટકો લાગ્યો હતો અને હું ઉઠી ગયો હતો. ઉઠીને જોઈ તો ટ્રકની પાછળ બસ ઘૂસી ગઈ હતી. બસની અંદર 40 થી 45 જેટલા મુસાફરો સવાર હતા. અમે જીટીયુની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત થયો હતો.

Exit mobile version