
અમદાવાદઃ ગુજરાતમાં વિશ્વયોગ દિનની ઊજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત તમામ શહેરોમાં વિશ્વ યોગદિનની 21મી જુના રોજ ઊજવણી કરવામાં આવશે જ્યારે રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઊજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરાશે. વહિવટી તંત્ર દ્વારા પણ નજાબેટ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર તેમજ એસપી દ્રારા સ્થળને લઈ નિરીક્ષણ કરાયું છે,તો પાણી,પાર્કિંગ અને અન્ય બાબતોને લઈ પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં રિવરફ્રન્ટ, કાંકરિયા લેક પરિસર સહિત વિવિધ સ્થળોએ 21મી જુને વિશ્વયોગદિન ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી જિલ્લામાં મહિલા સશક્તિકરણ માટે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. 16 થી 20 જૂન દરમિયાન જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં યોગ કાર્યક્રમોનું આયોજન કરાશે.
વર્ષ-2015થી પ્રતિ વર્ષ તા.21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. ચાલુ વર્ષે 21મી જુન 2024ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં તા.21મી જૂનના રોજ વિશાળ જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાના કોસ્ટગાર્ડ સ્ટેશન વેરાવળ, સાગર દર્શન સોમનાથ, ઝમજીર ધોધ જામવાળા, આદ્રી બીચ, નલીયા માંડવી બીચ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિતની વિવિધ જગ્યાઓએ પણ વિશ્વ યોગ દિવસની ઉજવણીની સાથે વૃક્ષારોપણ પણ કરાશે. રાજકોટ, ભાવનગર અને સુરતમાં પણ વિશ્વ યોગ દિનની ઊજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે.
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલા પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તા.21મી જુનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.