
છોટા ઉદેપુરઃ જિલ્લાના તીર્થધામ હાફેશ્વર નજીક નર્મદા નદીમાં નાહવા પડેલા એક યુવાનને મગરોએ ખેંચી લઈને ઊંડા પાણીમાં લઈ જતાં તેનું મોત નિપજ્યું છે. નદીકાંઠે ઊભેલા લોકોએ બુમાબુમ કરીને યુવાને બચાવવાના પ્રયાસો કર્યા હતા. દરમિયાન લોકોએ પોલીસને બનાવની જાણ કરી હતી. અને યુવકની લાશ વહેલી સવારે વન વિભાગ તેમજ સ્થાનિક પોલીસે બહાર કાઢી હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજયની ત્રિભેટે આવેલા રાજ્યના છોટા ઉદેપુર જિલ્લાના તીર્થધામ એવા નર્મદા નદીના પ્રવેશદ્વાર ગણાતા હાફેશ્વર ખાતે ગઈકાલે એક યુવકને નર્મદા નદીમાં મગરે ખેંચી લેવાની ઘટના બની હતી. ગઈકાલે સાંજે લગભગ 4 વાગ્યાના અરસામાં હાફેશ્વર ગામના વિનેશભાઈ વાહ ભીલ ઉં.વ.18 પોતાના અન્ય બે મિત્રો સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી નર્મદા નદીમાં નાહવા પડ્યા હતા. ત્યારે અચાનક વિનેશભાઈને મગરે પકડી લીધો હતો અને નદીમાં ખેચી ગયો હતો. આ ઘટનાથી નદીકાંઠે ઊભેલા લોકોએ યુવાનને બચાવવા માટે બુમાબુમ કરી હતી. જેને લઇને નજીકમાં રહેલા લોકો પણ નદી કિનારે દોડી આવ્યા હતા અને વન વિભાગ તેમજ સ્થાનિક કવાંટ પોલીસને જાણ કરી હતી, મગર યુવાનને નદીમાં ઊંડે સુધી ખેંચી ગયો હતો. જેની શોધખોળ રાત્રે મોડે સુધી કરવા છતાં તેનો મૃતદેહ મળ્યો નહતો. ત્યારબાદ વહેલી સવારે વન વિભાગ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા યુવકની ફરીવાર શોધખોળ હાથ ધરતાં લગભગ આઠ વાગ્યાના અરસામાં યુવકની લાશ મળી આવી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હાફેશ્વર એ નર્મદા નદીનું ગુજરાતનું પ્રવેશદ્વાર છે, જ્યાં દરરોજ મોટો સંખ્યામાં યાત્રાળુઓ તથા નર્મદા પરિક્રમા કરવાવાળા યાત્રાળુઓ આવતા હોય છે. નદીમાં મગરો હોવાથી લોકોને નદીમાં નહાવા ન જવાની સુચના આપવામાં આવેલી છે. છતાં પણ લોકો નદીમાં નહાવા પડતા હોય છે.